ગોધરાકાંડનાં આરોપીએ પાકિસ્તાની યુવતી સાથે કર્યા નિકાહ

મંગળવાર, 11 નવેમ્બર 2014 (16:54 IST)
ગોધરામાં સાબરમતિ એક્સપ્રેસ ટ્રેનને આગ લગાવવાના હિચકારા કૃત્યમાં દોષિત ઠરેલા ઈરફાન સિરાઝ પાડાએ પાકિસ્તાની યુવતી સાથે નિકાહ કર્યા હતાં. ઈરફાન હાલ જામીન પર બહાર છે. તે પોતાની પાકિસ્તાની પત્નીને ખુબ જ ભાગ્યશાળી માને છે.

નિચલી અદાલતે ગોધરાના ટ્રેન કાંડમાં ઈરફાનને દોષિત ઠેરવતા આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પરંતુ હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં હતાં અને કેસની સુનાવણી ચાલી રહી છે.

રવિવારે નિકાહ કર્યા બાદ ઈરફાને જણાવ્યું હતું કે હાલ તે જેલની બહાર છે તો માત્ર મારિયાના કારણે જ. મારિયા મારા જીવનમાં આવી તેના પંદર જ દિવસમાં મને કોર્ટમાંથી જામીન મળી ગયા હતાં, જેના વિષે મેં ક્યારેય વિચાર્યુ જ ન હતું. મને વિશ્વાસ છે કે હવે મારી સાથે કંઈ જ ખોટુ નહીં થાય તેમ ઈરફાને જણાવ્યું હતું.

પાકિસ્તાનની મારિયા સાથે ઈરફાનની ઓળખ જ્યારે તે પેરોલ પર હતો તે દરમિયાન થઈ હતી. બંને એક બીજાને પસંદ કરતા હતાં. પરંતુ શરૂઆતમાં ઈરફાન તેના પર ચાલી રહેલા કેસના ડરથી મારિયા સાથે નિકાહ કરવા રાજી ન હતો. પરંતુ ગત રવિવારે ઈરફાન અને મારિયાએ લગ્ન કરી લીધાં હતાં.

વેબદુનિયા પર વાંચો