ગુલબર્ગ કાંડમાં 11 ને આજીવન 12 ને સાત વર્ષની સજા

શુક્રવાર, 17 જૂન 2016 (12:32 IST)
લાંબા સમયની પ્રતિક્ષાના અંતે આખરે અમદાવાદની સ્પેશિયલ કોર્ટે વર્ષ ૨૦૦૨ના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ સોસાયટીના દોષિતોને સજાની જાહેરાત કરી દીધી છે. જેમાં કોર્ટે કલમ-૩૦૨ અંતર્ગત હત્યા જેવા ગંભીર ગુનામાં દોષિત જાહેર કરાયેલ વિશ્વ હિન્દુ પરિષદના નેતા કૈલાશ ધોબી સહિત ૧૧ને  આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.  જ્યારે બાકીના ૧૩ આરોપીઓ પૈકી ૧૨ને સાત વર્ષની જેલી સજા અને એક માત્ર માંગીલાલ જૈન નામના આરોપીને ૧૦ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે.

આ કેસમાં અપરાધની ગંભીરતા જોતા કોર્ટ હત્યારાઓને ફાંસીની સજા ફટકારે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, ખાસ કોર્ટના જજ પી બી દેસાઇએ એકપણ આરોપીને ફાંસીની સજા ફટકારી નથી.  તે જોતા તમામને આશ્ચર્ય થયુ છે.

જજ પી બી દેસાઇએ આજે સજાની જાહેરાત કરતા ગુનામાં અવલોકન કરતા જણાવ્યુ હતું કે, ગુલબર્ગ
સોસયાટી હત્યાકાંડનો દિવસ એ ઈતિહાસમાં એક કાળો દિવસ હતો.  ઉશ્કેરાયેલા ટોળાએ આવેશમાં આવીને આ કૃત્ય આચર્યુ હતું. જોકે,  આ ઘટનામાં દોષિતો એ પ્રોફેશનલ ગુનેગારો નથી, તેમજ આ ઘટના બાદ તેમનું વર્તન પણ યોગ્ય જ રહ્યુ છે. જેથી તેમને ફાંસી જેવી ગંભીર સજા ફટકારવી યોગ્ય ગણાશે નહીં.

દોષિતોની સજાની સુનવણી વખતે કોર્ટમાં કૈલાસ ધોબી જેવા આરોપીઓની ઉપસ્થિતિમાં કોર્ટ જણાવ્યું હતું કે આરોપીઓ સમાજ માટે ખતરારૂપ નથી.

ઉલ્લેખનીય છે કે,  આ પહેલા કોર્ટમાં સજાની સુનાવણી દરમિયાન પીડિતોના વકિલે જણાવ્યુ હતું
કે, પોલીસ કંટ્રોલ રુમમાં ૧૨:૩૮ કલાકે ૧૦ હજારથી વધુ લોકોનું ટોળુ ગુલબર્ગ સોસાયટી એકત્રિત થયુ હોવાના ઈનપુટ મળ્યા હતા. સોસાયટી ટોળાથી ઘેરાયેલી હતી.  ત્યારે સાંસદ અહેસાન જાફરીએ ફાયરીંગ કરતા આ ટોળુ ઉશ્કેરાયુ હતું અને આવેશમાં આવીને આ ગુલબર્ગ હત્યાકાંડ આચર્યો હતો. જેથી તેમને ગંભીર સજા કરવી જોઈએ નહીં.  જ્યારે બીજી બાજુ સરકારી વકિલે જણાવ્યુ હતું કે, આતંકવાદીઓને સુધારવાની તક આપી શકાય, દેશના દુશ્મોનોને સુધારવાની તક આપી શકાય, પરંતુ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના દોષિતોને બીજી તક આપી શકાય તેમ નથી.

આ પહેલા ૨ જુનના રોજ સ્પેશિયલ કોર્ટે ૧૪ વર્ષ બાદ આ ઘટનાનો ચુકાદો આપતા 60 આરોપીઓમાંથી ૩૬ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા,જ્યારે 24 આરોપીઓને દોષિત માન્યા હતા.

વેબદુનિયા પર વાંચો