ગુજરાત રમખાણો:આજે દીપરાકાંડનો ચુકાદો, 83 આરોપીઓનો ચુકાદો

સોમવાર, 30 જુલાઈ 2012 (10:52 IST)
P.R
ગોધરાકાંનાં કોમી રમખાણો સમયે વિસનગરના દીપરા દરવાજા વિસ્તારના ચુડીવાસમાં પ મહિ‌લા, ૪ બાળકો,૧ કિશોર અને ૧-પુરુષ સહિ‌ત ૧૧ વ્યક્તિઓને જીવતાં સળગાવી દેવાયાં હતાં. આ કેસમાં ૮૩ આરોપીઓ વિરુદ્ધ તહોમતનામું ઘડાયું છે. છેલ્લા ૧૦ વર્ષથી ચાલતા આ કેસનો આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચુકાદો આવનાર છે.

ગોધરાકાંડ ટાણે ૨૮ ફેબ્રુઆરી ર૦૦૨ના રોજ વિસનગરમાં હથિયારો લઇને એક ટોળું અહીંના દીપરા દરવાજા વિસ્તારના ચુડીવાસમાં બે દિશામાંથી ધસી આવ્યું હતું. અહીં મકાનો પર સળગતા કાકડા નાખી લઘુમતીઓના એક જ પરિવારનાં પાંચ બાળકો સહિ‌ત ૧૧ વ્યકિતઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઇ હતી.

લાશોનો નિકાલ કરી પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશોને ચુડીવાસથી આશરે ૨ કિલોમીટરના અંતરે આવેલા માલવ તળાવ નજીક લઇ જઇ સળગાવી દેવાઇ હતી. જ્યારે આ ઘટનામાં ઇજા પામેલા લઘુમતી કોમના ૨૩ વ્યકિતઓને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે મહંમદ ઇકબાલ અહેમદખાન બલોચે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ મહેસાણા સેસન્સ કોર્ટમાં વર્ષ ૨૦૦૨માં ચાલવા પર આવ્યો હતો. જેમાં કોર્ટે પા ૮૩ વ્યકિતઓની વિરુદ્ધમાં આરોપનામું ઘડી ટ્રાયલ ચાલુ કર્યો હતો. જોકે, આ કોર્ટ કાર્યવાહી દરમિયાન એક કથિત આરોપીનું મોત નીપજ્યું હતું. આ કેસમાં સરકારી વકીલ મુકેશભાઇ બ્રહ્મભટ્ટે ૧૪પ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

શું છે પુરાવાનો આધાર...

આ હત્યાકાંડના સ્થળેથી માંસના લોચા તેમજ લોહીના ડાઘ મળી આવ્યા હતા. ત્યાર બાદની તપાસમાં મલાવ તળાવથી અવશેષો મળી આવ્યા હતા. જોકે ડીએનએ ટેસ્ટમાં તે માનવ અવશેષ નહીં હોવાનો રિપોર્ટ આવ્યો હતો. ઉપરાંત એફએસએલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં દીપરા દરવાજા નજીક રસ્તા પરથી એક મહિલાનાં આભૂષણો પણ મળી આવ્યાં હતાં.

ગુનો પુરવાર થાય તો ફાંસી સુધીની જોગવાઇ

દીપરાકાંડમાં પોલીસે ખૂન, લૂંટ, પુરાવાનો નાશ, રાયોટિંગ સહિ‌તની આઇપીસી હેઠળ ફરિયાદ દાખલ કરી છે. જેમાં સોમવારે ચુકાદો આવવાનો છે. આ કેસમાં લગાવાયેલી કલમો હેઠળ આરોપીઓનો ગુનો સાબિત થાય તો જનમટીપ (આજીવન કેદ)થી લઇને ફાંસી સુધીની જોગવાઇ છે.

વેબદુનિયા પર વાંચો