ગુજરાત યુનિવર્સિટીએ ડીજીટલ લાયબ્રેરી શરુ કરી

ગુરુવાર, 16 જૂન 2016 (15:10 IST)
અમદાવાદ: વર્તમાન યુગ ડિજિટલ યુગ છે. તેમજ યુવાઓ અત્યારની ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. આ દરેક બાબતને ધ્યાનમાં રાખતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની લાઈબ્રેરીના 3 લાખ જેટલા પુસ્તકો ઓનલાઈન કરી દીધા છે. જેનાથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન પુસ્તકો વાંચી શકશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના મિશનને વેગ આપવા માટે પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઈ-લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં દરેક પુસ્તકો કોમ્પ્યુટરાઈઝ કરવાની કામગીરી 2005થી શરૂ કરવામાં આવી હતી. હાલમાં દરેક પુસ્તકોનો વીડીયો ગ્રાફિક્સ ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે. જેમાં પુસ્તક ઓનલાઈન એક્સેસ છે કે નહિં કે પુસ્તક લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે કે નહિં તે દરેક માહિતી વિદ્યાર્થીઓને મળશે.
 
આ સુવિધા શરૂ થતાં વિદ્યાર્થીઓ 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસમાં વિશ્વના કોઈપણ ખૂણેથી પોતાને જોઈતા પુસ્તક વિશે માહિતી મેળવી શકશે. સૌથી પહેલા 300 જેટલા થીસીસ ડિજિટલાઈઝ કરવામાં આવ્યા છે. ત્યારબાદ 1949 થી લઈને અત્યાર સુધીના અભ્યાસક્રમ ડિજિટલાઈઝ કરવામાં આવ્યા છે. જ્યારે હાલમાં પેપરો અપલોડ કરવાની કામગીરી શરૂ છે.
વર્તમાન સમયમાં તમામ યુવાનો આખો દિવસ ટેકનોલોજી પાછળ ખર્ચી દે છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીનું ઈ-લાઈબ્રેરી શરૂ કરવાનું પગલું વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ બનશે તેવું લોકોનું માનવું છે. ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન ઈ-લાઈબ્રેરી માટે વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ યુનિવર્સીટીની લાઈબ્રેરીની મેમ્બરશીપ મેળવવાની રહેશે.
 
સામાન્ય રીતે કોઈપણ ડિજિટલ વસ્તુ એક્સેસ માટે આપતાં હોવ તો તેના પ્રાઈવસીના કેટલાક નિયમો હોય છે. પ્રાઈવસી ક્રાઈટ એરિયામાં કોઈપણ બીજો વ્યક્તિ બીજાના લોગીન આઈડી વડે આ ઈ-લાઈબ્રેરીનો ગેરઉપયોગ ન કરે. યુનિવર્સિટીની લાઈબ્રેરી વિદ્યાર્થીને લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી ઈ-લાઈબ્રેરીમાંથી ગમે તે પુસ્તક ઘર બેઠા વાંચી શકશે. યુનિવર્સિટીની લાઈબ્રેરી પાસે રેકોર્ડ હોય છે કે સાંજ સુધી કેટલા વિદ્યાર્થીઓએ કેટલી પુસ્તકો વાંચ્યા અને કેટલા ડાઉનલોડ કર્યા. ગુજરાત યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીએ છેલ્લા ત્રણ વર્ષમાં ડિજીટલ બાબતમાં ઘણી આગેકૂચ કરી છે તેવું અહીંના લાઈબ્રેરિયનનું માનવું છે.
 
ગત વર્ષે 2000થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઈ-લાઈબ્રેરીનો લાભ લીધો હતો. ઈ-લાઈબ્રેરીની સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ પણ વાંચવા માટે આવી રહ્યાં છે. આ લાઈબ્રેરીમાં દરરોજના 400 વિદ્યાર્થીઓ વાંચવા માટે આવતા હોય છે. લાઈબ્રેરી અને ઈ-લાઈબ્રેરીમાં ગુજરાત યુનિવર્સીટીને સંલગ્ન તમામ વિદ્યાશાખાના પુસ્તકો આવરી લેવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો