ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુ-આર્મીની સ્‍થાપના

ગુરુવાર, 21 ઑગસ્ટ 2014 (12:43 IST)
દેશના પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવ ગાંધીજીની જન્‍મ જયંતિ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુ-આર્મીની સ્‍થાપના કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, વિધાનસભાના કોંગ્રેસપક્ષના નેતા શંકરસિંહ વાધેલા, સિદ્ધાર્થ ફટેલ, જગદીશ ઠાકોર, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, સીજે ચાવડા, ઈન્‍દ્રવિજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસના પ્રમુખ માનસિંહ ડોડીયા, આદિત્‍યસિંહ ગોહિલ અને આઈટીસેલના ચેરમેન રોહન ગુપ્તા તેમજ સમગ્ર ગુજરાતમાંથી આવેલા યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, આઈટી સેલના હોદ્દેદારો તેમજ કાર્યકરોની ઉફસ્‍થિતિમાં યુ-આર્મીની સ્‍થાપના કરવામાં આવી હતી.

   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા યુ-આર્મીના કો-ઓર્ડીનેટર તરીકે હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને કન્‍વીનર તરીકે ઈન્‍દ્રવિજયસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. યુ-આર્મીની સંકલન સમિતિના સભ્‍યો તરીકે ઉમાકાંત માકડ, શાહનવાઝ શેખ, ગુલાબસિંહ રાજપુત, માનસિંહ ડોડીયા, આદિત્‍યસિંહ ગોહિલ, રોહન ગુપ્તા, લાખાભાઈ રબારી, અમીત ચૌધરી, આનંદ ચૌધરી, કલ્‍પેશ જાની, મનીષા પરીખ, સોનલદેવી વર્માનો સમાવેશ થાય છે. આવનાર દિવસોમાં યુ-આર્મી અનઈમ્‍પોયઆર્મી (બેરોજગાર સેના) દ્વારા ગુજરાતના શિક્ષીત બેરોજગાર અને અશિક્ષિત બેરોજગાર યુવાનોનું ઓનલાઈન રજીસ્‍ટ્રેશન www.uarmy.in પર કરવામાં આવશે તેમજ સમગ્ર ગુજરાતના જીલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામડાઓમાં ફોર્મની વહેચણી કરી યુવાનોની યુ-આર્મી સાથે જોડવામાં આવશે. તેમજ સમગ્ર રાજ્‍યમાંથી ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્‍ટ્રેશન થયેલા યુવાનોની માહિતી મેળવી ગુજરાત સરકાર પાસે માંગણી કરવામાં આવશે કે ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનોના પ્રશ્‍નોને વાચા આપવા અને સમગ્ર ગુજરાતમાં આંદોલન ઉભું કરવા યુ-આર્મીની રચના કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ યુવાનોને સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં યુવાશક્‍તિ આજે ભારે અજંપાભરી મનોદશા અનુભવે છે. વાસ્‍તવિકતા એ છે કે ગુજરાત રાજ્‍યમાં છેલ્લા ૧૮ વર્ષમાં જો કોઈ એક વર્ગે ભારોભાર શોષવું પડયું હોય તો તે યુવા વર્ગ છે. કહેવાય તો એમ છે કે યુવાનો દેશનું ભવિષ્‍ય છે. પણ, ખરેખર તો તેમનો માત્ર રાજકીય ઉપયોગ જ થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના યુવા વર્ગના પ્રશ્‍નોને વાચા આપવા, યુવાનોના અદિકારો માટે સંધર્ષ કરવા, યુવાનોને ન્‍યાય અપાવવા અને યુવાશક્‍તિ પોતાના અને રાજ્‍યના કે દેશના વિકાસમાં સહજતાથી જોતરાઈ શકે તેવું એક સક્ષમ પ્‍લેટફોર્મ પુરૂ પાડવા યુ-આર્મી રચના કરવામાં આવી છે. રાજ્‍યમાં રોજગાર કચેરીમાં નોંધાયેલ શિક્ષિત બેરોજગારોની સંખ્‍યા આશરે ૧૦ લાખ જેટલી છે. પણ રાજ્‍યમાં વણનોંધાયેલા બેરોજગારોની સંખ્‍યા આશરે ૪૦ લાખ જેટલી થાય છે. ગુજરાતમાં તો સરકાર પોતે જ ફિક્‍સ પગારની નોકરીઓના નામે યુવાનોનું શોષણ કરે છે અને હવે તો આ મોડલ આખા દેશમાં લાગુ કરવાનો વિચાર થઈ રહ્યો છે એક બાજુ ગુજરાતમાં ૨.૭૫ લાખથી વધારે સરકારી જગ્‍યાઓ ભર્યા વગરની છે, ૭.૫૦ લાખથી વધુ યુવાનો ફિક્‍સ પગારના નામે સરકારી શોષણનો ભોગ બની રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો