ગુજરાત પોલીસના વર્તનથી અન્‍ય રાજ્‍યોની પોલીસ નારાજ

મંગળવાર, 15 એપ્રિલ 2014 (11:40 IST)
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદીની રેલીઓ દરમિયાન ગુજરાત પોલીસના વર્તનથી અન્‍ય રાજ્‍યોના પોલીસ અધિકારીઓ ભારે નારાજ છે. તાજેતરમાં યોજાયેલી યુનિયન મિનિસ્‍ટ્રી ઓફ હોમ અફેર્સની બેઠકમાં અડધા ડઝનથી વધુ રાજ્‍યના પોલીસ અધિકારીઓએ આની ફરીયાદ કરી છે.
 
   યુનિયન હોમ સેક્રેટરી અનિલ ગોસ્‍વામીના વડપણ હેઠળ ચૂંટણી ઝુંબેશ કરનારાઓની સલામતીની સમીક્ષા માટે યોજાયેલી આ બેઠકમાં અડધા ડઝનથી વધુ રાજ્‍યના પોલીસ અધિકારીઓએ ફરીયાદ કરી હતી કે, મોદી હજુ વડાપ્રધાન બન્‍યા નથી, પરંતુ તેની સલામતી વિગતોમાં જાણે તેઓ સ્‍પેશ્‍યલ પ્રોટેકશન ગૃપ(એસપીજી)માં આવતા હોય તેવું વર્તન કરવામાં આવે છે. એસપીજી સુરક્ષામાં વડાપ્રધાન અને તેના પરીવારનું રક્ષણ કરવામાં આવે છે.
 
   સૂત્રોના જણાવ્‍યા અનુસાર અન્‍ય રાજ્‍યોના પોલીસ અધિકારીઓ ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓના વર્તનથી નારાજ છે. આ અધિકારીઓ મોદી સાથે તેની રેલીઓ દરમિયાન સાથે હોય છે. બેઠકમાં ભાગ લેનારા પોલીસ અધિકારીઓએ રેલી દરમિયાન મોદીની સાથે રહેનારા પોલીસ અધિકારીઓના તોછડા વર્તન પ્રત્‍યે નારાજગી દર્શાવી હતી. પટના રેલીમાં બોંબ બ્‍લાસ્‍ટ થયા બાદ દેશમાં સૌથી વધુ રક્ષણ મોદીને આપવામાં આવ્‍યું છે.

વેબદુનિયા પર વાંચો