ગુજરાત કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં ભેળવીને કોંગ્રેસને ખાલી કરવાનું આયોજન

ગુરુવાર, 16 જાન્યુઆરી 2014 (12:26 IST)
P.R
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી ત્યારે રાજકીય પક્ષો દ્વારા તડજોડની નીતિ શરૃ થઈ જશે. એક પક્ષ છોડીને બીજા પક્ષમાં કાર્યકરોની અવરજવરનો દોર શરૃ થશે. કમુરતાં ઊતરતાંની સાથે જ હવે ભાજપ દ્વારા કોંગ્રેસમાં ભંગાણ પાડવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં હાથ ધરાશે. ભાજપ હવે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને નિશાન બનાવશે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અવરજવરના દોર હાલમાં કમુરતાં ચાલતાં હોવાથી ઈન્ટરવલ ચાલતો હતો. મકરસંક્રાંતિનું પર્વ પૂર્ણ થતાં તેમજ કમુરતાં ઊતરતાની સાથે જ હવે રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરોની અવરજવર શરૃ થઈ જશે. કમુરતાં ઊતરતાંની સાથે હવે ખાસ કરીને ભાજપ દ્વારા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા ઈચ્છુક આગેવાનો-કાર્યકરોને આવકારવા માટેની તૈયારી આરંભી દેવાઈ છે.

ભાજપ દ્વારા કોંગ્રેસના વાડે બેસેલા આગેવાનોને ભાજપમાં ભેળવીને કેસરિયો ખેસ પહેરાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે, જેના ભાગરૃપે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો વિધિવત્ રીતે ભાજપમાં જોડાવવા માટે હવે આગળ આવશે. કોંગ્રેસમાં ભંગાણ પાડવા માટે ભાજપ દ્વારા આવા કોંગ્રેસી આગેવાનો કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવવા માટેના કાર્યક્રમોને આખરી ઓપ આપી દેવાયો છે. આગામી અઠવાડિયાથી કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરવા આતુર મુરતિયાઓની જાન જોડાશે અને તેમને ભાજપમાં આવકારવા માટેના કાર્યક્રમો શરૃ થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા માટે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ર૭ર પ્લસ બેઠક મેળવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેના ભાગરૃપે ગુજરાત ભાજપ દ્વારા ગુજરાતની તમામ ર૬ બેઠક કબજે કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના અંતર્ગત ગુજરાત કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં ભેળવીને કોંગ્રેસને ખાલી કરવાનું આયોજન કરાયું છે.

વેબદુનિયા પર વાંચો