ગુજરાતમાં હવે એટ્રોસીટી માટે સ્પેશિયલ કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો

ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (23:41 IST)
દલિતો પર થતા અત્યાચાર ડામવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લાગતો રહ્યો છે અને આ મ્હેણુ કદાચ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દલિત સમુદાયના મત કાપી શકે છે, ત્યારે સરકારે હવે દલિતોને ઝડપી ન્યાય મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમજ એટ્રોસિટીના કેસ ચલાવવા અલગથી સ્પસેયિલ કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ઉનાકાંડ બાદ આનંદીબહેન પટેલની સરકારમાં દલિતો પર વધતા અત્યાચારના આરોપથી ખરડાયેલી સરકારની છબીને સુધારવાનું કામ રૂપાણીની સરકારે શરૂ કર્યુ હોય તેમ લાગે છે. રાજ્ય સરકારે એટ્રોસિટીના કેસ ચલાવવા માટે અલગથી સ્પેશ્યલ કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર 16 જિલ્લાઓમાં એટ્રોસિટીના કેસ ઉકેલવા માટે સ્પેશિયલ કોર્ટ શરૂ કરવાની છે. રાજ્યમાં અમદાવાદ ગ્રામ્ય, આણંદ, બનાસકાંઠાના પાલનપુર ખાતે, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છના ભૂજ ખાતે, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટ ખાતે એટ્રોસિટીના કેસ ચલાવવા સ્પેશ્યલ કોર્ટ શરૂ થશે. પહેલી ઓક્ટોબરથી 16 જિલ્લાઓમાં એટ્રોસિટી કેસને લઈને સ્પેશિયલ કોર્ટ શરૂ થવાની છે. આ સ્પેશિયલ 16 કોર્ટમાં સરકારી વકીલની પણ નિમણુક કરાશે. છેલ્લા પાંચ વર્ષમા એટ્રોસિટી હેઠળના કેસની સત્તાવાર સંખ્યા છ હજારથી વધુ થઈ છે. રાજ્યમાં હજુ પણ દરવર્ષે સરેરાશ 1200થી વધુ એટ્રોસિટી હેઠળના કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા બે વર્ષમાં આ સંખ્યા 1300ને પાર થઈ છે. એટ્રોસિટીના કેસ પર વિગતવાર નજર કરીએ તો, વર્ષ 2010માં 1169 કેસ નોંધાયા, 2011માં 1231 કેસ નોંધાયા, 2012માં એટ્રોસિટીના 1276 કેસ નોંધાયા. 2013ના વર્ષમાં એટ્રોસિટીના 1364 કેસ નોંધાયા. જ્યારે વર્ષ 2014માં 1245 કેસ નોંધાયા હતા. ત્યારે હવે સરકારે એટ્રોસિટી કેસના ઝડપી ઉકેલ માટે સ્પેશિયલ કોર્ટની જાહેરાત કરીને મહત્વનો પણ ચૂંટણીલક્ષી નિર્ણય કર્યો હોવાનું મનાય છે.

વેબદુનિયા પર વાંચો