ગુજરાતની ખાનગી વીજળી કંપનીઓને તો દરરોજ દિવાળી - કૉંગ્રેસ

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (16:55 IST)
ગુજરાતની ભાજપ સરકારે ખાનગી વીજળી કંપનીઓ પાસેથી વર્ષ ૨૦૧૩માં ૨૮૪૩૪ મિલિયન યુનિટ્સ તથા વર્ષ ૨૦૧૪માં ૩૨૫૯૦ મિલિયન યુનિટ્સ વીજળીની ખરીદી કરી હતી. જેમાં અદાણી પાવર લિમિટેડ પાસેથી બે વર્ષમાં સૌથી વધુ ૨૬૨૩૫ મિલિયન યુનિટ ખરીદવામાં આવી હતી. રાજ્ય સરકાર બે વર્ષમાં કુલ ૬૧૦૨૪ મિલિયન વીજળી ખરીદવા પાછળ રૂ. ૧૮૨૮ કરોડનો ખર્ચ કર્યો હતો.

ગુજરાત વિધાનસભામાં આજે ગુરુવારે કૉંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ર્નના લેખિત જવાબમાં ઊર્જા પ્રધાને જણાવ્યું હતું કે તા. ૩૧-૧૨-૨૦૧૪ની સ્થિતિએ રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજળીના કરારો થયેલા છે જે અંતર્ગત વર્ષ ૨૦૧૩માં ખાનગી કંપનીઓ પાસેથી કુલ ૨૮૪૩૪ મિલિયન યુનિટ્સ વીજળી ખરીદવામાં આવી હતી જેમાં એસ્સાર પાવર લિમિટેડ પાસેથી ૨૫ મિલિયન યુનિટ્સ વીજળી પ્રતિ યુનિટના રૂ. ૪.૮૦ના ભાવે, તથા એસ્સાર પાવર ગુજરાત લિમિટેડ પાસેથી ૫૫૧૨ મિલિયન યુનિટ્સ પ્રતિ યુનિટ રૂ. ૨.૯૬ના ભાવે ખરીદવામાં આવી હતી. અદાણી પાવર લિ. પાસેથી ૧૨૧૫૫ મિલિયન યુનિટ્સ વીજળી પ્રતિ રૂ. ૨.૮૮ના ભાવે અને એસીબી (ઇન્ડિયા) લિ. પાસેથી ૧૩૪૫ મિલિયન યુનિટ્સ પ્રતિ યુનિટ રૂ. ૨.૧૦ના ભાવે તેમજ કોસ્ટલ ગુજરાત પાવર કંપની લિ. પાસેથી ૯૦૮૧ મિલિયન યુનિટ્સ પ્રતિ યુનિટ રૂ. ૨.૬૮ના ભાવે અને કેપ્ટીવ પાવર પ્લાન્ટ્સ પાસેથી ૨૯ મિલિયન યુનિટ્સ પ્રતિ યુનિટ રૂ. ૨.૪૧ના ભાવે ખરીદવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો