ગુજરાતનાં રાજકારણમાં નવી ચર્ચા - વિજય રૂપાણી સીએમ બનશે ને મોહન કુંડારીયા પ્રદેશ પ્રમુખ

ગુરુવાર, 2 જૂન 2016 (14:49 IST)
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવા ગંભીરતાથી વિચાર કરી રહેલ છે. પરિવર્તનનો આ નિર્ણય પક્ષની અંદર કરવામાં આવેલા એક આંતરિક સર્વે બાદ લેવામાં આવી રહ્યો છે. સર્વેમાં એવુ સામે આવ્યુ હતુ કે, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મતદારો સાથે 'કનેકટ' (જોડવા)માં નિષ્ફળ ગયા છે એટલુ જ નહી એન્ટી ઇન્કમબન્સી (સત્તા વિરોધી લહેર) પણ એક મુખ્ય કારણ તરીકે ઉપસી રહ્યુ છે.

   ભાજપ અને પીએમઓનું માનવુ છે કે, આવતા વર્ષે યોજાનારી ચુંટણીને ધ્યાનમાં રાખતા નેતૃત્વ પરિવર્તનમાં હવે બહુ વિલંબ કરવો જોઇએ નહી. ગુજરાત રાજય એ પીએમ મોદીની રાજનીતિનું કેન્દ્ર બીંદુ છે એવામાં પક્ષમાં એ સવાલ સૌથી મોટો છે કે આનંદીબેનની જગ્યા હવે કોણ લેશે ?

   પ્રદેશ ભાજપના જે નેતાઓ એવુ માને છે કે, આનંદીબેનની વિદાય માત્ર સમયની માંગ છે. તેમનુ કહેવુ છે કે, જે પરિવર્તન લાવી શકે છે અને પક્ષને વિજય અપાવી શકે છે તે છે પક્ષના અધ્યક્ષ અમિત શાહ. ગુજરાતમાં પક્ષના અન્ય નેતાઓ જેમ કે, પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી, નીતિન પટેલ અને સૌરભ પટેલ પોત-પોતાના વિસ્તારમાં કદાવર નેતા છે પરંતુ સમગ્ર રાજયમાં એવો અમિત શાહની જેમ તેઓ કમાન્ડ ધરાવતા નથી.

   આ બાબતે અમિત શાહને પુછતા તેમણે જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ તેમની નજીકના વર્તુળોએ જણાવ્યુ હતુ કે, તેમની પાસે એક મોટો એજન્ડા અને મિશન છે. તેઓને તાજેતરમાં જ બીજી ટર્મ મળી છે અને યુપીની ચૂંટણી આવતા વર્ષે છે ત્યારે પક્ષે આવતા ત્રણ વર્ષ માટે કાર્યક્રમ ઘડી કાઢયો છે તેઓ માત્ર પ૧ વર્ષના છે અને તેમની પાસે રાષ્ટ્રીય રાજકારણમાં હજુ ઘણો સમય છે.

   પક્ષના નેતાઓનુ કહેવુ છે કે, અમિત શાહને સીએમ બનાવવા પર મોદીને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વરૂપમાં કોઇ બીજી વ્યકિતને શોધવાનું મુશ્કેલ બનશે. ગુજરાત પીએમ મોદીનુ ક્ષેત્ર છે અને પીએમ ગુજરાતને સારી રીતે જાણે છે. સુત્રોનુ કહેવુ છે કે, મોદીના માનવા મુજબ અમિત શાહ ગુજરાતને બદલે યુપી માટે વધુ ફાયદેમંદ સાબીત થશે. યુપીમાં ૨૦૧૪ની ચૂંટણી વખતે અમિત શાહએ મહત્વની ભુમિકા ભજવી હતી. તેથી મોદી તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રાખે તેવી શકયતા છે.

   હાલ પીએમઓ અને ભાજપની અંદર આનંદીબેન પટેલ પછી શું ? તે અંગે ગરમા-ગરમ ચર્ચાઓ થઇ રહી છે. એક વિકલ્પ એવો છે કે, હાલના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવા પરંતુ તેમને તેમના ક્ષેત્ર રાજકોટની બહાર કોઇ ઓળખતુ નથી. તેઓ જૈન સમુદાયના છે અને જૈન સમુદાયની વસ્તી ગુજરાતમાં માત્ર બે ટકા છે. જો કે તેમને મોદી અને અમિત શાહના વફાદાર ગણવામાં આવે છે અને તેઓ સંગઠનના માણસ તરીકે જાણીતા છે. એક એવો પણ વિકલ્પ છે કે કોઇ પટેલ સમુદાયના નેતાને સીએમ બનાવવા. એવી પણ શકયતા છે કે, જો વિજય રૂપાણીને સીએમ બનાવવામાં આવે તો હાલના કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી મોહનભાઇ કુંડારીયા કે બીજા કોઇ પટેલ નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા.

વેબદુનિયા પર વાંચો