ગિરનારનાં ડેરવાણ ગામની મીઠી અને મધુર કેસર કેરી ટેસ્ટમાં બેસ્ટ

ગુરુવાર, 10 એપ્રિલ 2014 (17:49 IST)
ગીર પંથકની કેસર કેરી દુનિયાભરના આમરસના રસિયાઓમાં મનપસંદ અને સુપ્રસિદ્ધ છે. ગીરની કેસરમાંય ખાસ કરીને ગિરનારની ગોદમાં આવેલા ડેરવાણ ગામની મીઠી અને મધુર કેસર કેરી ટેસ્ટમાં બેસ્ટ ગણાય છે.
 
ગીરની કેસર કેરીમાં સૌથી ઉમદા ગણાતી ડેરવાણની કેરીનું આગમન શરૂ થઇ જતાં આમરસ રસિયાઓમાં હરખની લાગણી પ્રસરી હોવાનું જાણવા મળ્યું હતું.
 
ગુજરાતમાં ગીરની કેસર કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. છેલ્લા ચાર દિવસથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવી રહી છે. પ્રથમ દિવસે ૨૦ બોક્સ કેરીની આવક થઇ હતી. આજે જૂનાગઢ યાર્ડમાં ગિરનારની ગોદમાં આવેલા ડેરવાણ ગામની મઠી અને મધુર કેસર કેરીનું આગમન થતા વેપારી વર્ગમાં હરખની લાગણી પ્રસરી હતી. આજે યાર્ડમાં કેસર કેરીના ૭૬ બોક્સની આવક થઇ હતી. ૧૦ કિલોના બોક્સનો ભાવ ૬૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધી બોલાયા હતા. ધીમે ધીમે કેસર કેરીની આવકમાં વધારો થશે, તે સાથે ભાવમાં તબક્કાવાર ઘટાડો નોંધાશે, એમ વેપારી સૂત્રોએ જણાવ્યું હતું. આગામી સપ્તાહ સુધીમાં વંથલી અને તલાલા પંથકની કેસરની આવક પણ શરૂ થઇ જવાની શક્યતા છે. 

વેબદુનિયા પર વાંચો