ગાંધીજીનાં ૫૦ રૂપિયા ને મોદીના ૫૦૦૦ રૂપિયા!?!...બોલો....

ગુરુવાર, 25 જુલાઈ 2013 (13:05 IST)
P.R


મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને દર વર્ષો હજારો ભેટ મળે છે, જે ભેટનું ઑક્શન કરીને મળતી રકમ ગુજરાત કન્યા કેળવણી વિભાગમાં તેઓ જમા કરાવી દે છે. ગઈ કાલથી ગુજરાતના સાત જિલ્લામાં નરેન્દ્ર મોદીની ભેટનું ઑક્શન શરૂ થયું. આ ઑક્શનમાં બેઝ પ્રાઇઝ કયા આધાર અને સિદ્ધાંત પર નક્કી કરવામાં આવે છે એ વિવાદ જગાવે એવી પૂરી શક્યતા છે, કારણ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની માટીમાંથી બનાવવામાં આવેલી પ્રતિમાની બેઝ પ્રાઇઝ માત્ર રૂપિયા ૫૦ રાખવામાં આવી છે જેની સામે નરેન્દ્ર મોદીના સૌથી ઓછી કિંમતના ફોટોગ્રાફની બેઝ પ્રાઇઝ ૫૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. રાજકોટના કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર અને રાજકોટના ધારાસભ્ય તથા ગુજરાતના કૃષિ વિકાસપ્રધાન ગોવિંદ પટેલે આ બાબતમાં ચર્ચા કરવાની ના પાડી દીધી હતી.

રાજકોટમાં રાખવામાં આવેલા ઑક્શનમાં સૌથી સસ્તી બેઝ પ્રાઇઝ ધરાવતી કોઈ વસ્તુ હોય તો એ આ મહાત્મા ગાંધીની માટીની પ્રતિમા છે.

રાજકોટના ઑક્શનમાં ૧૧૫૦ ચીજવસ્તુઓ આપવામાં આવી છે, જે ચીજવસ્તુના ઑક્શનમાંથી સાડાઅગિયાર લાખ રૂપિયા એકત્રિત કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે રાજકોટ જિલ્લાના અધિકારીની ધારણા છે કે આ ચીજવસ્તુથી અંદાજે એક કરોડ રૂપિયાનું ફન્ડ એકત્રિત થઈ શકશે.

સામાન્ય રીતે ઑક્શનની વાત આવે ત્યારે એવું ધારવામાં આવતું હોય છે કે ચીજવસ્તુ સ્ટેજ પરથી દેખાડવામાં આવતી હોય અને એ વસ્તુ માટે ખરીદવા ઇચ્છનારા બોલી બોલતા હોય. જે સૌથી વધુ મોટી રકમની બોલી બોલે તેને એ ચીજ મળે, પણ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ચીજવસ્તુઓનું ઑક્શન આ રીતે નથી થતું. મોદીને મળેલી ભેટની એક અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવે છે. આ પ્રાઇઝ ઑક્શનમાં જે ચીજ મૂકવાની હોય એનું પ્રદર્શન થાય. ઑક્શનમાં ભાગ લેવા માગતી વ્યક્તિને આ એક્ઝિબિશનમાં જે ચીજ ગમે એનું ફૉર્મ ભરવાનું અને પોતાનો ભાવ લખી નાખવાનો. ત્રણ દિવસ દરમ્યાન જે કોઈ ભાવ આવે એ બધા ભાવ એકત્રિત કરવાના અને પછી છેલ્લા દિવસે સૌથી વધુ ભાવ આપનારાને એ ચીજ આપી દેવાની. આ ઑક્શનમાં અપસેટ પ્રાઇઝથી દસ ગણી રકમ જો કોઈ પહેલે જ ઝાટકે આપવા તૈયાર હોય તો એ ચીજ પ્રદર્શનમાંથી હટાવી લેવામાં આવે છે અને ભાવ લગાવનારાને આપી દેવામાં આવે છે.

ગઈ કાલે ઑક્શનના પહેલા દિવસે સૌથી વધુ ભાવ નરેન્દ્ર મોદીને મળેલી બાવીસ તલવાર માટે આવ્યા હતા. નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ કે મહાત્મા ગાંધીના ફોટોગ્રાફ કે મૂર્તિ માટે એક પણ વ્યક્તિએ ભાવ આપ્યો નહોતો.

વેબદુનિયા પર વાંચો