ખેડુતોની વિઘવાઓની સ્થતિ

ગુરુવાર, 23 જૂન 2016 (12:03 IST)
ભારતમાં વધતી જતી ખેડૂતોની આત્મહત્યા ચિંતાનો વિષય બનેલ છે. જોકે, તેથી પણ મોટો વિષય આ ખેડૂતોની આત્મહત્યા બાદ તેમની વિધવાઓના વ્યવસ્થાપનનો છે. આર્થિક તંગીના કારણે ખેડૂતો આત્મહત્યા કરી દે છે અને પાછળ છોડી જાય છે દેવાનો ડુંગર. આ તમામ દેવુ અને સામાજિક જવાબદારીઓ તેની વિધવાઓ પર આવી પડે છે.  ભારતમાં છેલ્લા બે દાયકામાં ૩ લાખથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે.

માત્ર  ગત વર્ષની જ વાત કરવામાં આવે તો ૩ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.  તેમની વિધવા પત્નિઓ આજે પણ સરકાર, સાહુકારો, સાસરીયા અને સમાજના લોકોથી લડી રહી છે. તાજેતરમાં કરવામાં આવેલ એક સંશોધન મુજબ, ભારતમાં અત્યારે વિધવાઓની સંખ્યા ૪૬ લાખથી પણ ઉપર છે. આતો સરકારી આંકડો છે. વાસ્તવિક સંખ્યા આનાથી પણ વધુ હોય શકે છે. પરંતુ સરકારી આંકડા મુજબ ૪૬ લાખ વિધવાઓ દેશમાં છે તેવુ માની લઈએ તો પણ આ સંખ્યા સ્વિડન જેવા  નાના દેશોની કુલ વસ્તીના પાંચ ગણી છે.

આવતીકાલ એટલે કે, ૨૩ જુનને ઈન્ટરનેશનલ વિધવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જોકે, આ પ્રસંગે
મોટાભાગની સામાજિક સંસ્થાઓ માત્ર વિધવા દિવસની ઉજવણી કરીને સંતોષ માને છે. પરંતુ દેશની આ ૪૬ લાખ વિધવાઓના આંસુ લુછવાની તસ્દી પણ કોઈ લેતુ નથી. ભારતીય સમાજમાં વિધવાઓએ મોટાભાગે શારીરિક શોષણ અને બહિષ્કારનો ભોગ બનવુ પડે છે. સામાજિક કાર્યકર્તાઓનું કહેવુ છે કે, ખેડૂતોની વિધવાઓ માટે જિંદગી જીવવી વધુ મુશ્કેલ હોય છે.

પતિના મૃત્યુનું દુઃખ ઓછુ હોય તેમ આમ આ વિધવાઓએ પૈસા ક્યાંથી લાવવા, પોતાની સુરક્ષાનું શું, બાળકોના ભરણપોષણનું શું જેવા અનેક સવાલો સામે લડવાનું હોય છે. મોટાભાગના કેસમાં વિધવાઓના માથે મોટા આર્થિક દેવા પણ હોય છે. જેને પહોંચી વળવુ આ વિધવાઓની શક્તિ બહારની વસ્તુ હોય છે. એટલુ જ નહીં ભારતના કેટલાક ગામડાઓમાં આજે પણ મહિલાઓને હળ ચલાવવાની મંજુરી આપવામાં આવતી નથી.

આવી સ્થિતિમાં પતિની ગેરહાજરીમાં પોતાનું અને બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરવુ તે વિધવા મહિલાઓ માટે મોટો સવાલ છે. જો તે દુકાન કે ઉદ્યોગમાં નોકરી કરવા ઇચ્છે છે તો પણ તેની સાથે છેતરપીંડીની શક્યતા વધુ રહેલી છે. વિધવાઓને મદદ કરતી સંસ્થા પર્યાયના કમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન લત્તા બંડાગરે જણાવ્યુ હતું કે, સામાન્ય રીતે દેશમાં ખેડૂતોની આત્મહત્યા અંગે ચર્ચા થતી હોય છે.

વેબદુનિયા પર વાંચો