કોંગ્રેસે ન્યાયપ્રક્રિયાનું અપમાન કર્યુઃવ્યાસ

વેબ દુનિયા

શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2008 (11:50 IST)
રાજ્ય સરકારનાં પ્રવક્તા આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે વિધાનસભા ગૃહમાં મુકાયેલા જસ્ટીસ નાણાવટી પંચનાં પ્રથમ ભાગનાં અહેવાલ અંગે વિરોધ પક્ષનાં નેતાએ કરેલા આક્ષેપોની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તપાસ પંચનાં અહેવાલની સચ્ચાઈ અને સત્યને સ્વીકારવાને બદલે મનઘડંત ધારણા અને અનુમાનોનાં આધારે કોંગ્રેસે તેનો વિરોધ કરીને તેની તૃષ્ટિકરણની વિકૃત માનસિકતા ખુલી કરી દીધી છે.

હકીકતમાં વિધાનસભામાં નાણાવટી પંચનો અહેવાલનો પ્રથમ ભાગ મુકાતાંની સાથે જ વિપક્ષનાં નેતા અને સભ્યોએ સભાગૃહનો બહિષ્કાર કર્યો હતો. તેમજ ગૃહની બહાર અહેવાલ અંગે શંકા ઉઠાવીને તદ્દન અનુચિત રાજકીય આક્ષેપો કરીને સમગ્ર ન્યાયિક પ્રક્રિયા અને સર્વોચ્ચ અદાલતનું અપમાન કર્યું છે. વ્યાસે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ સમજવું જોઈએ કે આ ઘટનાની તપાસ સર્વોચ્ચ અદાલતનાં ન્યાયમૂર્તિ દ્વારા કરવામાં આવી છે. તેથી કોઈને છાવરવામાં આવ્યા હોવાનાં આવ્યા હોવાનું કહેવું તે સમગ્ર ન્યાયતંત્રની અવમાનતા છે.

વ્યાસે કોંગ્રેસનાં આરોપોને ફગાવતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકશાહીમાં વિધાનસભાને જવાબદાર છે. વિપક્ષ તેની પર ચર્ચા કરવા સમય માંગી શકે છે. પણ વિધાનસભા ગૃહ પર રીપોર્ટ આવતાં જ સભાત્યાગ કરીને પોતાની માલિન માનસિકતાનું પ્રદર્શન કર્યું છે.

વેબદુનિયા પર વાંચો