તાળાળા. ગુજરાતના જુનાગઢ જીલ્લામાં આવેલા તાળાળા કેસર કેરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તાજેતરમાં જ સૌરાસ્ટ્રમાં માવઠું એટલે કે વરસાદ અને કરા પડતા કેરીના મોટા ભાગના પાકને ખૂબજ નુકશાન થયું છે. જેના કારણે આ વખતે ઉનાળાની કેરી એક મહિનો મોડી પડશે. મેં મહિનાના પ્રથમ સપ્તાહમાં કેસર કેરી માર્કેટમાં આવશે તેવી આશા વ્યક્ત કરાઇ છે.
દરવર્ષે 15મી એપ્રિલ પહેલા જ તાળાળાના માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો પાક ઠલવાય છે. જેમાં દરરોજ 35 હજાર કેસર કેરીના બોક્સ માર્કેટ યાર્ડમાં આવે છે, એક બોક્સમાં 10 કિલો કેરી હોય છે.
N.D
તાળાળામાં કેસર કેરીની ખેતી કરતા અને દરવર્ષે ટનબધ ઉત્પાદન આપતા એવોર્ડ પ્રાપ્ત વિજેતા સમસુદ્દીનભાઇએ જણાવ્યું હતું કે, આ વર્ષે માવઠું થતા કેરીના પાકને ખૂબજ ખરાબરીતે અસર પહોંચાડી છે. હવામાને આ વખતે કેરીનું ઉત્પાદન કરનાર લોકોને મારી નાખ્યા છે. જો પુરતું ઉત્પાદન નહીં થાય તો ખેડૂતો જીવવું મુશ્કેલ બની જશે. ઉનાળાની શરૂઆતમાં જ માવઠું થયું અને ઠંડી હવા ફુકાતા તમામ પ્રકારના ફળો અને ફુલોના પાકોને ખૂબજ નુકશાન થયું છે. અને તેના કારણે ફળોનો રાજા કેરી માર્કેટમાં એક મહિનો મોડી પડશે અને તેના ભાવ આસમાને પહોચશે..
દરવર્ષે કેસર કેરીને એક્સપોર્ટ કરતા તાળાળાના અનિલ ફાર્મના માલિક નુર અલિભાઇએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઠંડો પવન અને વરસાદથી માવઠું થતા એક્સપોર્ટ કરી શકાય તેવી કેસરનો પાક થશે નહીં અને સસ્તાભાવે અહીંના માર્કેટમાં અમારે કેરીને વેચવી પડશે. જો કેરીના યોગ્ય ભાવ નહીં મળે તો અમે ખૂબજ નુકશાનીમાં ઉતરી જશું.
કેસર કેરીના ઉત્પાદનમાં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત અબ્દુલ ગફાર કુરેશીનામના ખેડૂતે જણાવ્યું હતું કે, આ વર્ષે કેરીનું ઉત્પાદન પુરતું નહીં થાય તેની સામે સરકાર અમને નુકશાનીની ભરપાઇ કરવામાં મદદરૂપ થાય તેવી આશા અમે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે રાખી રહ્યા છીએ. અન્ય પાકોમાં વિમો આપવામાં આવે છે ત્યારે કેરીના પાક પર અમને વિમો કેમ નથી મળતો ? સરકાર દ્વારા ખેડૂતોને રવી અને ખરીફ પાકો પર વિમા મળવાની સુવિધા મળી રહી છે જ્યારે ફળોના રાજા એવા કેરીના પાક પર વિમા આપવાનું સરકાર કેમ વિચારતી નથી ? તેવો પ્રશ્ન કુરેશીભાઇએ સરકારને કર્યો છે.