કેન્દ્રની જીયો પારસી અને પારસી પંચાયતની બાળકના જન્મ પર આર્થિક સહાયની યોજના

મંગળવાર, 18 નવેમ્બર 2014 (15:15 IST)
''સંજાણ ડે ''નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ફિલ્મ અભિનેતા બોમન ઈરાનીએ પૂર્વજોએ દેશ માટે જે યોગદાન આપી પારસી સમાજનું  નામ ઉજાળ્યું છે. તે આજની યુવાપેઢી આગળ ધપાવે તે જરૃરી છે એમ જણાવ્યું હતું. પારસી આગેવાનોએ કેન્દ્ર સરકારની જીયો પારસી યોજના સરાહનીય હોવાનું જણાવી કોન્ડમનો ઉપયોગ કરવો કે નહીં કરવો તે વ્યક્તિગત અભિપ્રાય હોવાનું ઉમેર્યું હતું.

ઉમરગામ તાલુકાના સંજાણ ગામે ''સંજાણ ડે '' નિમિત્તે પારસી સમાજના જાજરમાન ઈતિહાસની ધરોહર સમા કીર્તી સ્થંભની ૧૯૨૦ મા સ્થાપના કરાયાના ૯૪ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદાજુદા શહેરોમાંથી ઉપસ્થિત રહેલા સેંકડો પારસીઓએ સવારે સમાજના વડા દસ્તુરની ઉપસ્થિતિમાં પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી હતી. સમાજના લોકોએ ખુબજ શ્રધ્ધાપૂર્વક કીર્તિ સ્થંભની  પૂજા કરી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ફિલ્મ અભિનેતા બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે ૧૩૦૦ વર્ષ પૂર્વે પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા બાદ જાદીરાણાને આપેલા વચનને નિભાવ્યું છે અને આજીવન નિભાવશું એમ જણાવ્યું હતું. ભારતમાં તમામ ક્ષેત્રમાં પારસીઓનું અમૂલ્ય યોગદના રહ્યું છે. પૂર્વજોએ દેશ માટે જે મહેનત અને યોગદાન આપી સમાજનું નામ ઉજાળ્યું છે. તેને આજની વર્તમાન યુવાપેઢી આગળ ધપાવે તેવી હાંકલ કરી હતી.

મુંબઈ પારસી પંચાયતના પ્રમુખ દીનશા મહેતાએ પારસીઓની ઘટતી જતી વસ્તી અંગે ચિંતા વ્યકત કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા પારસીઓની વસ્તીઓમાં વધારો કરવા જીયો પારસી યોજના અમલમાં મુકી છે. પારસી સમાજ દ્વારા પણ વસ્તી વધારા માટે યુગલોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પારસી પંચાયત બીજા બાળક નો જન્મ થાય ત્યારે દર મહિને ૩૦૦૦ અને ત્રીજા બાળકના જન્મ સમયે ૫૦૦૦ ની આર્થિક સહાય કરે છે. વસ્તી વધારા માટે સમાજ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પારસીઓના જન્મ દર અને મૃત્યુ દર વચ્ચે તફાવતને દૂર કરવા માટે સરકાર દ્વારા લેવાતા પગલા સરાહનીય છે એમ જણાવ્યું હતું.
જીયો પારસી યોજનામાં કોન્ડોમના ઉપયોગ અંગે થયેલા વિવાદ અંગે પારસી આગેવાનોએ જણાવ્યું હતું કે, કોન્ડોમનો ઉપયોગ કરવો કે નહીં તે વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે પરંતુ જીયો પારસીની સરકારની  યોજના પારસી સમાજની વસ્તી વધારવા માટે ખરેખર સરાહનીય છ. તેમ ઉમેર્યું હતું. ઉદવાડા બાદ સંજાણને પણ હેરિટેજ સીટી જાહેર કરવામાં આવે તે અંગે ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ છે. જેમાં પ્રશાસન તરફથી હકારાત્મક પ્રતિસાદ પણ સાંપડયો છે.

વેબદુનિયા પર વાંચો