કાલે ધનતેરસે ગુજરાતનાં મંત્રી મંડળનું વિસ્તરણ

ગુરુવાર, 31 ઑક્ટોબર 2013 (15:14 IST)
આખરે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ચોથી ટર્મના ૧૦ મહિના જૂના પ્રધાન મંડળનો વિસ્તાર કરી રહ્યાં છે. મોદી સરકારમાં નંબર ટુ એવા નાણા પ્રધાન નીતિન પટેલે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે, પહેલી નવેમ્બરે ધન તેરસના દિવસે સવારે ૯.૩૦ વાગે પાટનગરના મહાત્મા મંદિર ખાતે વધુ ૬ રાજ્ય કક્ષાના પ્રધાનોનો શપથવિધિ યોજાશે.
P.R

અત્યારે રાજ્ય પ્રધાન મંડળમાં મુખ્ય પ્રધાન મોદી સહિત ૮ કેબિનેટ કક્ષાના અને ૯ રાજ્ય કક્ષાના પ્રધાનો સામેલ છે, જેમાં વધુ ૬ રાજ્ય કક્ષાના પ્રધાનો ઉમેરાતાં પ્રધાન મંડળનું સંખ્યા બળ ૨૩ થશે. નવા રાજયકક્ષાના પ્રધાનોમાં વાસણ આહીર, જયેશ રાદડિયા, જયદ્રથસિંહ પરમાર, દિલીપ ઠાકોર, દિલીપ પટેલ, જશવંતસિંહ ભાભોર, નીમા આચાર્ય, વિભાવરી દવે વગેરે નામો ચર્ચાઈ રહ્યાં છે.
હાલ પ્રધાન મંડળમાં જૂના ૨૬ જિલ્લા પૈકી ૧૨ જિલ્લાનું પ્રતિનિધિત્વ છે. આ સિવાયના બાકી જિલ્લાઓ પૈકી દાહોદ, પંચમહાલ, આણંદ, પાટણ, કચ્છ જેવા જિલ્લાઓને પ્રધાન મંડળના સૂચિત વિસ્તરણમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે. અહીં નોંધનીય છે કે, રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાના એક પ્રધાન કરી રહ્યાં છે, પણ કોંગ્રેસમાંથી ભાજપમાં પૂર્વશરત મૂકીને ભળેલા સાંસદ વિઠ્ઠલ રાદડિયાને તેમના પુત્ર જયેશને પ્રધાન મંડળમાં સમાવવા માટે અપાયેલા કમિટમેન્ટને પગલે મુખ્ય પ્રધાન મોદીને તેમના પ્રધાન મંડળનો વિસ્તાર કરવો પડી રહ્યો છે, અલબત્ત ૨૦૧૪ના લોકસભાની ચૂંટણી પહેલાં નારાજ ધારાસભ્યોને ખુશ કરવાની કવાયતરૃપે પણ સૂચિત વિસ્તરણને જોવાઈ રહ્યું છે.

અત્યારે મોદી સરકારમાં જ્ઞાાતિવાર ૪ કડવા, ૩ લેઉઆ મળીને ૮ પાટીદારો, ૧ કોળી ઠાકરો, ૧ કોળી પટેલ, ૧ અનુસૂચિત જાતિ, ૧ અનુસૂચિત જનજાતિ, ૧ બ્રાહ્મણ, ૨ ક્ષત્રિય, ૧ આંજણ ચૌધરી અને ૧ અન્ય પછાત વર્ગ પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. અન્ય પછાત વર્ગના લોકોની સંખ્યા ૫૦ ટકાથી વધુ હોઈ તેમનું પ્રતિનિધિત્વ વસ્તિના પ્રમાણમાં અત્યારે ઘણું ઓછું છે.

સરકારિયા પંચની ભલામણ પ્રમાણે કોઈપણ સરકાર ગૃહના કુલ સંખ્યા બળના ૧૫ ટકાથી વધુ પ્રધાનો ના બનાવી શકે, એ નિયમ મુજબ રાજ્ય પ્રધાન મંડળના સૂચિત વિસ્તરણ પછીયે ૪ પ્રધાનો સમાવી શકાય તેમ હોઈ મજબૂત ગણાતા ધારાસભ્યો, બાકીની આ જ ખાલી જગ્યા પણ ધનતેરસે પૂરાય તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો