કામદાર કલ્યાણ બોર્ડનાં રુપિયાથી પોતાનું જ 'કલ્યાણ' કરી નાખ્યું

સોમવાર, 28 જુલાઈ 2014 (14:08 IST)
ભાજપ દ્વારા દેશભરમાં ‘ગુજરાત વિકાસના મોડલ’ રજૂ કરવામાં આવી રહ્યું છે જેમાં રાજ્યના વિકાસમાં શ્રમિકોનો ફાળો મહત્ત્વનો છે કારણ કે રોડ-રસ્તાઓ, નવા બિલ્ડીંગો વગેરે બાંધકામોમાં આદિવાસી શ્રમિકોથી લઈને અન્ય શ્રમિકોની જહેમતને લીધે જ વિકાસ થયો છે, પણ રાજ્ય સરકાર દ્વારા બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની ઉપેક્ષા કરવામાં આવતી હોવાની હકીકતો કેગના અહેવાલમાં જાણવા મળે છે.

કેગના અહેવાલમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગુજરાત સરકારે ૨૦૦૬-૦૭ના વર્ષથી બાંધકામ ક્ષેત્રે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો પાસેથી કામદારોના કલ્યાણ માટે સેસપેટે રૂ. ૫૪૦.૮૮ કરોડ જેટલી રકમ એકત્ર કરી હતી પણ કામદારોના કલ્યાણ માટે મામૂલી કહી શકાય એટલું જ ફંડ વાપર્યું હતું. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે નવા મજૂરની નોંધણી કરવાનું કામ જ અભેરાઈ પર ચડાવી દીધું હતું એટલું જ નહીં અદાલતોના આદેશ છતાં પણ તંત્રએ લાપરવાહી દાખવી હતી. કેગ દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓને લેખિતમાં પૂછ્યું ત્યારે પણ કોઈ જ જવાબ આપવામાં આવ્યો ન હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે મજૂરોની નોંધણી માટે કોઈ નિયમો જ તૈયાર કર્યા નથી. મજૂરોના બાળકોના શિક્ષણ સહાય પેટે રૂા. ૩.૯૧ કરોડનો ખર્ચ થયો છે. ગુજરાતમાં શ્રમિકોના કલ્યાણ માટેનો કાયદો ઘડાયા બાદ આઠ વર્ષે ૨૦૦૪માં કામદાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી હતી. અને ૨૦૦૬થી બિલ્ડરો અને શ્રમિકો પાસેથી સેસપેટે રૂ.૪૫૦ કરોડ ઉઘરાવવામાં આવ્યા હતા પણ સરકારે આ રકમ પોતાની માલિકીની જ એક કંપનીમાં મૂકી હતી. કેગ દ્વારા આ બાબતને ગંભીર ગણી ટીકા કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો