કચ્છમાં પશુઓને ખુલ્લામાં ઘાસ નિરવા પર પ્રતિબંધ

શનિવાર, 24 જાન્યુઆરી 2015 (18:06 IST)
સામાન્ય રીતે શહેરો અને નગરોના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ મેળવવા માટે ઢોરને ડબામાં પૂરી દેવામાં આવે છે અને તેના માલિક પાસેથી આકરો દંડ વસૂલવામાં આવે છે પરંતુ કચ્છ જિલ્લા મહાનગરપાલિકા વિસ્તારોમાં આ પ્રકારની તકલીફના નિવારણ માટે વહીવટી તંત્રએ પશુઓને ખુલ્લામાં ઘાસ નિરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરના કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો પોતાના માલઢોરનો નિભાવ પોતાની રીતે જ કરતા હોય છે પરંતુ શહેરો અને નગરોમાં વસતા પશુપાલકો તેના પશુધનને સવારના સમયે છુટ્ટા મુકી દે છે અને સાંજના સમયે રખડતા ઢોરને પોતાના ઘરે લાવી બાંધી દે છે. હિન્દુ ધર્મમાં પશુઢોરને ઘાસ ખવડાવાથી પૂણ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે ત્યારે કેટલાક ચાલાક પશુપાલકો ઢોરોને જાહેર માર્ગ પર કે સ્થળ પર એકત્ર કરી રાખી નજીકમાં જ પોતે ઘાસચારો લઇને ઊભો રહે છે. જેથી આવતા જતા ધાર્મિક લોકો પશુપાલક પાસેથી પૈસાથી ઘાસ લઇ તેના જ ઢોરને ખવડાવતા હોય છે. પાલકની આ પ્રકારની ચાલાકીથી તેને બે ફાયદા થાય છે કે તેના ઘાસના ઊંચા દામ ઉપજે છે અને તેની પાસેથી ખરીદેલા ઘાસથી તેના જ પશુને આહાર મળી રહે છે.

જોકે, મૂળ વાત એ છે કે કચ્છમાં અનેક શહેરો-નગરોમાં આ પ્રકારની બાબત તંત્રના ધ્યાન પર આવતા નવતર નિયમ લાગુ કર્યો છે.

આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારોમાં રસ્તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્લોટ પર અનઅધિકૃત વ્યકિતઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવેલ છે. આ એકત્ર થયેલ ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્યવહારમાં અડપણ ઊભી થાય છે. જેથી જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાલિકાએ અધિકૃત કરેલ સિવાય કોઇ પણ સ્થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં તેમ જણાવાયું હતું.

વેબદુનિયા પર વાંચો