કચ્છનાં લોકોને હાલ ભ્રામક પરોઢનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે

શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (18:16 IST)
કચ્છમાં એક તરફ ગણેશ ચર્તુથીનો તહેવાર તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે, તો બીજી તરફ મેઘરાજા કચ્છની ધરતીને તરબતર કરી રહ્યા છે. વાદળ, વીજચમક અને મેઘગર્જના વચ્ચે સમયાંતરે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આવા અદ્ભુત માહોલ વચ્ચે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં મોડી રાત્રે અને પરોઢ પહેલાં આકાશમાં ઝોડિકલ લાઈટ જેને ખગોળશાસ્ત્રીઓ ભ્રામક પરોઢ તરીકે ઓળખી રહ્યા છે તેનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. નભોમંડળમાં અડધા કે પૂર્ણ ચંદ્રની હાજરી ન હોવા છતાં વાદળછાયાં હવામાન વચ્ચે પણ આકાશમાં ગેબી ઉજાસ દેખાય છે અને જાણે પરોઢ થયું હોય તેવી આભા સર્જાય છે. કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરના જણાવ્યા પ્રમાણે નભોમંડળમાં એકઠા થયેલા ધૂળના રજકણો અને ધૂમકેતુ જેવા અન્ય અવકાશી પદાર્થોના ભંગાર પર, પ્રકાશના કિરણોનું પરિવર્તન થતાં ભ્રામક ઉજાસ સર્જાય છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન આવી ‘ઝોડિકલ લાઈટ’ અથવા તો ‘ભ્રામક પરોઢ’ આકાશમાં સર્જાય છે. આ ઝોડિકલ લાઈટના પ્રકાશપુંજ સામાન્ય રીતે ક્ષિતિજથી ઉદભવ પામીને મધ્ય આકાશ તરફ જાય છે.

ભ્રામક પરોઢને કારણે ઘણી વખત વડીલો અચાનક જાગી જતા હોય છે અને દીવા-અગરબત્તી કરવા મંડે છે, ત્યારે ઘરના અન્ય સભ્યોએ ‘બાપડા ઊંઘી જાવ હજુ તો રાતના બે વાગ્યા છે’ તેવી ટકોર પણ કરવી પડે છે.

વેબદુનિયા પર વાંચો