એશિયાનું સૌથી મોટું અમદાવાદનું એસટી વર્કશોપ બંધ થવાના આરે

બુધવાર, 28 મે 2014 (17:26 IST)
ગુજરાત રાજ્ય રોડ પરિવહન નિગમમાં દર વર્ષે અંદાજે ૨,૦૦૦ જેટલી નવી એસ.ટી બસોની જરૃરિયાત ઉભી થાય છે. નિગમ પાસે એશિયાનું નંબર વન કહેવાતું બસ બોડી બિલ્ડીંગનું વર્કશોપ હોવા છતાંપણ નવાઇની વાત એ છે કે આજની તારીખે ૮૦ ટકા બસો રાજ્યબહાર જ ખાનગી કંપનીમાં જ બનાવવામાં આવી રહી છે.

ખાનગી કંપનીઓ પાસેથી મળતા મોટા કમિશનો લાલચ તેમજ નિગમના અધિકારીઓના ગેરવહિવટના કારણે હાલ આ વર્કશોપ બંધ થવાના આરે આવીને ઉભું છે. એક સમયે રોજની ૭ નવી બસો બનતી હતી તેની જગ્યાએ હાલ માંડ બે બસો જ બની રહી છે. એકબાજુ ખાનગી નેનો કંપની માટે ગુજરાતમાં લાલ જાજમ બિછાવવામાં આવે છે ત્યારે સરકાર હસ્તકના એસ.ટી નિગમનું સેન્ટ્રલ વર્કશોપ કે જે ગુજરાતનું ગૌરવ મનાતું હતું તે સરકારની ઉદાસીનતાને કારણે બંધ થવાના આરે આવીને ઉભું છે. એસ.ટી નિગમની કુલ ૮,૦૦૦ જેટલી બસો હાલ રોડ પર ફરી રહી છે. જેમાં સીએનજીની બસોને સાડા છ લાખ કિલો મીટરે અને ડીઝલ બસોને સાડા સાત લાખ કિલો મીટરે પાછી ખેંચી લઇને તેને ભંગારમાં લઇ જવાતી છે. જેના કારણે દર વર્ષે ૨,૦૦૦ જેટલી નવી બસોની જરૃરિયાત ઉભી થાય છે. આ માટે સરકાર દ્વારા ૧૯૬૦માં નરોડા ખાતે એશિયાનું સૌથી મોટું સેન્ટ્રલ વર્કશોપ બનાવવામાં આવ્યું હતું. જેમાં તે સમયે ૨,૫૦૦ જેટલા કાર્મચારીઓ કામ કરતા હતા.અને તેઓ રોજની ૭ જેટલી નવી બસોની બોડી બનાવી દેતા હતા. એસ.ટી નિગમની બસ ઉપરાંત ઓએનજીસી, પોલીસ અને હેલ્થ વિભાગની ગાડીઓ પણ બનાવવામાં આવતી હતી.

હાલની સ્થિતિ એ છે કે સરકારનું ઓરમાયું વર્તન અને અધિકારીઓના ગેરવહિવટના કારણે આ સેન્ટ્રલ વર્કશોપમાં હાલ માત્ર ૩૦૦ જેટલા જ કાર્મચારીઓ કામ કરી રહ્યા છે અને રોજની માંડ બે બસોની જ બોડી બની રહી છે.

સમયની સાથે વર્કશોપની મશીનરી અપગ્રેડ ન કરીને તેમજ આડેધડ કર્મચારીઓની છટણી કરીને તેને બંધ કરી દેવું પડે તેવી સ્થિતિમાં લાવીને મૂકી દેવાયું છે.આ વર્કશોપમાં હાલ એન્જિન શોફ, મશીન શોફ, સીટ અને વિન્ડો સેક્શન તો સંપૂર્ણ પણે બંધ જ કરી દેવાયા છે.

એસ.ટી નિગમ દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં ૧,૩૦૦ અને ૨૦૧૨-૧૩માં ૨,૦૦૦ જેટલી બસોની બોડી રાજ્ય બહારની ખાનગી કંપની પાસે બનાવીને ખરીદવામાં આવી હોવાનું જાણવા મળે છે. નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા  આ પ્રકારે કમિશન મેળવવા માટે જ નિગમના સેન્ટ્રલ વર્કશોપને અપગ્રેડ ન કરીને તેને બંધ કરી દેવું પડે તેવી હાલતમાં લાવીને મૂકી દેવાયું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

એસ.ટી નિગમના ૧૬ વિભાગોમાં કરોડોની કિંમતના બિનવપરાશી સ્પેરસ્પાર્ટ પડી રહ્યા છે.ભવિષ્યની જરૃરિયાતોને અનુલક્ષીને ખરીદાયેલા આવા સાધનો હાલ ભંગારના ભાવે વેચી મારવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.બીજીબાજુ જે સાધનોની જરૃરિયાત છે તે ઉપલબ્ધ જ નથી.જેના કારણે ખૂબજ ઉંચા ભાવે લોકલ ખરીદી કરાઇને કમિશનો ખવાતા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે.

 

વેબદુનિયા પર વાંચો