ઊદ્યોગકારોના પ્રશ્નો દર મહિને બેઠક યોજાશે

શનિવાર, 27 જૂન 2015 (16:12 IST)
મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે રાજ્યની ઔદ્યોગિક વસાહતો-જી.આઇ.ડી.સી. એસ્ટેટસના ઊદ્યોગકારોના પ્રશ્નો-રજુઆતોના સ્થાનિક સ્તરે નિવારણ માટે દર મહિને વસાહતમંડળો સાથે GIDC રિજીયોનલ મેનેજર્સ બેઠક યોજશે તેવી સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો

મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે ઉત્તર ગુજરાત ઝોનના અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લાની ઔદ્યોગિક વસાહતોના મંડળોના પદાધિકારીઓની બેઠકને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

આ બેઠકમાં તેમણે કહ્યું કે, ઔદ્યોગિક વસાહતોના એકમોની નાની સમસ્યાઓ જે સ્થાનિક સ્તરે જ સુલઝાવી શકાય તેવી હોય તે માટે આ બેઠક ઉપયુકત બનશે. આ સાથે જ પ્રાદેશિક કચેરીઓને આવા ઊદ્યોગકારોની નિતીવિષયક રજૂઆતોનું વડી કચેરી અને વિભાગ સાથે સમયસર ફોલોઅપ રાખી સકારાત્મક અભિગમ અપનાવવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે ઊદ્યોગોને સ્પર્શતી GIDC બોર્ડની બાબતોમાં સંબંધિત ઔદ્યોગિક એસોસિએશનોને વિશ્વાસમાં લઇને ફેરફાર કરવા માટે પણ ઊદ્યોગના અધિકારીઓને સૂચના આપી હતી. સીએમ પટેલે ઔદ્યોગિક વસાહતોમાં ઔદ્યોગિક કચરાના યોગ્ય નિકાલથી પર્યાવરણ જાળવણી તેમજ સુવિધા વિકાસના કામો માટે વસાહતના ઔદ્યોગિક સંગઠનો તથા સ્થાનિક સત્તા તંત્રોના પરસ્પર સહયોગને આગળ ધપાવવા જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન સમક્ષ આજે જે પ્રશ્નો રજુ થયા હતા તેમાં ઔદ્યોગિક વસાહતોમાં હેતુફેરના પ્લોટની બાબતો તેમજ ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસના ફંડ તથા એસ્ટેટની માળખાકીય સુવિધાઓનો એસ્ટેટને અડીને આવેલા એકમો-વસાહતો દ્વારા ઉપયોગના કિસ્સામાં ચાર્જ વસુલ કરવા જેવી બાબતો મુખ્યત્વે રહી હતી.

મુખ્યપ્રધાન આગામી દિવસોમાં મધ્ય ગુજરાતની ઔદ્યોગિક વસાહતો માટે પણ આ પ્રકારે વિડીયો કોન્ફરન્સીંગ બેઠકો યોજી પ્રશ્નોના નિવારણનો ઉપક્રમ યોજવાના છે. આમ હવે આનંદીબેને મહત્વની સમસ્યાઓ પર જાતેજ નજર રાખી તેના સમાધાન માટેની દિશા કામગીરી શરુ કરી છે.  

વેબદુનિયા પર વાંચો