'ઉલ્ટી ગંગા': પત્નીએ છુટાછેડા લેવા માટે પતિને ૪૫ લાખ ચૂકવ્યા

સોમવાર, 6 ઑક્ટોબર 2014 (11:51 IST)
કાયદા મહિલા તરફી હોવાની છાપ પ્રવર્તે છે અને પુરુષોની ફરિયાદો સાંભળવામાં આવતી ન હોવાનો ઊહાપોહ પણ છાસવારે મચે છે. ત્યારે 'ઉલ્ટી ગંગા' ગણાય તેવા કિસ્સામાં પતિએ પત્ની વિરુદ્ધ છુટાછેડા ન થયા હોય છતાં બીજા લગ્ન કર્યા અંગેનો ગુનો નોંધાવ્યો. પત્નીને બીજા પતિ દ્વારા સંતાનો પણ થયાં. પહેલા પતિએ પત્નીના તમામ જુઠ્ઠાણાઓ પકડી પાડીને પુરાવા પણ એકત્ર કર્યા ત્યારે છેવટે, પત્નીએ છુટાછેડા લેવા માટે ~ ૪૫ લાખ ચૂકવ્યા હતા. છેલ્લે કોર્ટ બહાર સેટલમેન્ટ કરી અદાલતને જાણ કરવામાં આવી હતી. આ કિસ્સો ન્યાયતંત્ર અને વકીલોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા રિધમ સોનીના લગ્ન તેના જ સમાજમાં મોડાસા રહેતી નેહા સોની સાથે વર્ષ ૧૯૯૯માં થયા હતા. ત્યારબાદ નેહાએ એક દીકરાને પણ જન્મ આપ્યો હતો. પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન થતા નેહા વર્ષ ૨૦૦૩માં જ પિયર જતી રહી હતી અને ત્યાંથી હિંમતનગર કોર્ટમાં જુદી જુદી અરજી કરી હતી. પરંતુ રિધમે તેને છુટાછેડા આપ્યા ન હતા. આ દરમિયાન નેહાના પરિવારજનોએ બાયડ ખાતે રહેતા હસમુખ સાથે નેહાના લગ્ન કરાવી દીધા હતા અને મતદાર યાદીમાં પણ નેહાના પતિના નામ પાછળ હસમુખનું નામ ઉમેરાવી દીધું હતું.

આ દરમિયાન નેહા ગર્ભવતી થઇ હતી અને જો સંતાન જન્મે તો રિધમ કેસ કરે તેવો ડર હતો. જેથી નેહાને તેના પરિવારના સભ્યો અમદાવાદ લઇ આવ્યા હતા અને ડો. જયેશ પટેલને ત્યાં નેહાનું નામ હેમા તરીકે દર્શાવ્યું હતું, ઉપરાંત પતિ તરીકે પણ તેના અન્ય સગાનું નામ દર્શાવ્યું હતું. ત્યારબાદ દીકરાનો જન્મ થતા તેની નોંધણી કરાવી ત્યારે પણ દીકરાની પાછળ તેના સાચા પિતાની જગ્યાએ સગાનું નામ લખાવ્યું હતું. પરંતુ જે સગાનું નામ પિતા તરીકે લખાવ્યું હતું તેમની પત્ની ગર્ભધારણ કરવા માટે સક્ષમ ન હોવાનું પ્રમાણપત્ર રિધમ લઇ આવ્યો હતો.

ઉપરાંત તેમણે જ્યાં જ્યાં ખોટું કર્યું ત્યાં ત્યાંના તમામ દસ્તાવેજ પણ રિધમ લઇ આવ્યો હતો અને ત્યારબાદ આ મામલે ખાડિયા પોલીસ મથકમાં નેહા સહિત તેના સાત પરિવારના સભ્યો સામે આઇપીસીની કલમ ૪૯૪, ૫૦૬(૨), ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦ બી મુજબ ગુનો નોંધાવ્યો હતો. જેના કારણે નેહા સહિતના લોકો ફસાયા હતા અને છેવટે સમાધાન કરી છુટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. જેથી નેહાના પરિવારનોએ ૪૫ લાખ રૂપિયા રોકડા કોર્ટ બહાર ચુકવી સમાધાન કરી છુટાછેડા મેળવ્યા છે. (ઓળખ છુપાવવા તમામ પાત્રોના નામ બદલ્યા છે)

પતિ કે પત્નીનું કાયદેસરનું લગ્ન જીવન ચાલતું હોય અને તેમણે છુટાછેડાનું હુકમનામુ ન હોય તે સમય દરમિયાન બીજા લગ્ન કરે તો તે મૂળથી જ વ્યર્થ ગણાય અને તેવું કૃત્ય કરનારને સાત વર્ષ સુધીની સજા અને દંડ થાય. આ કલમ હેઠળ રિધમે નેહા સામે ફરિયાદ કરી હતી.

પતિ-પત્નીએ એક બીજા સામે જુદા જુદા કેસ કર્યા હતા. પરંતુ ત્યારબાદ યુવતીએ ૪૫ લાખ રૂપિયા આપવાનું નક્કી કરી તમામ કેસ પડતા મુકવા નિર્ણય કર્યો હતો. જે પતિએ પણ સ્વીકારી તમામ કેસ પરત ખેંચવા તૈયારી દાખવી હતી.જેથી બન્ને પક્ષે કોર્ટની બહાર સમાધાન થઇ ગયું છે. જે પેટે યુવતીના પરિવારે ૪૫ લાખ પતિને ચુકવી આપ્યા હોવાનું એડવોકેટ મોઇનખાન પઠાણે જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો