ઉત્સવ ઘેલા ગુજરાતીઓ હવે નાતાલને માણવા થનગની રહ્યા છે

મંગળવાર, 9 ડિસેમ્બર 2014 (16:30 IST)
અંગ્રેજી નવું વર્ષ યાને કે વર્ષ ૨૦૧૫ના વર્ષના આગમન અને વર્ષ ૨૦૧૪ના વર્ષને વિદાય આપવા માટે ખ્રિસ્તી સમાજમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં તમામ ઘરો-ચર્ચને રંગબેરંગી રોશનીથી સજાવટ કરવાની તૈયારીઓ થઈ રહી છે. ઉપરાંત બજારોમાં પણ સજાવટ માટેની અવનવી ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ બની છે જેમાં રંગબેરંગી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ તથા મ્યુઝિકલ સાંતાક્લોઝ બાળકોને લોભાવી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની મુખ્ય બજારોમાં આવેલી ઈલેક્ટ્રોનિક ટોય અને અન્ય ચીજવસ્તુઓ વેચતી શોપમાં હાલ મ્યુઝિકલ સાંતાક્લોઝે આકર્ષણ જમાવ્યું છે. વિવિધ વાદ્યયંત્રો વગાડતા સાંતાક્લોઝ બાળકોની પ્રથમ પસંદગી બની રહ્યા છે.

આ ઉપરાંત ઘરને શણગારવા માટે એક ફૂટથી લઈને ૬થી ૭ ફૂટ સુધીના ક્રિસમસ ટ્રી પણ વેચાય રહ્યા છે. શહેરના એલીસબ્રિજ, બહેરામપુરા સહિત જુદા જુદા વિસ્તારોમાં આવેલા ચર્ચની નજીક ક્રિસમસની ચીજ-વસ્તુઓ વેચવાવાળાની દુકાનો લાગી ગઈ છે. જેમાં ઘરમાં સાજસજાવટ માટે જુદા જુદા પ્રકારની રંગબેરંગી રોશની તેમજ ઈસુખ્રિસ્તનું ચિત્ર, સાંતાક્લોઝના કપડાં, ગ્રીટિંગ્સ કાર્ડ, પોસ્ટર્સ વગેરે ચીજ-વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હજુ ક્રિસમસના પર્વને પખવાડિયાથી વધુ સમય બાકી છે ત્યારે મોટા ભાગના લોકો ઘર સજાવટના સામાનની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

શહેરના બહેરામપુરા વિસ્તારમાં ચર્ચ નજીક આવેલી એક દુકાનનાં વેપારીએ જણાવ્યું હતું કે, હાલ એક ફૂટથી લઈને ૬થી ૭ ફૂટના ક્રિસમસ ટ્રી ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. ૧૦૦થી લઈને રૂ. ૮૦૦ સુધીની છે. જ્યારે બેટરીથી સંચાલિત મ્યુઝિકલ સાંતાક્લોઝની કિંમત રૂ. ૪૦૦થી ૫૦૦ છે જેમાં સાંતાક્લોઝ ડ્રમ જેવાં વાંજિત્રો વગાડવા સાથે નૃત્ય પણ કરે છે. આ ઉપરાંત ઈસા મસીહનું જીવંત ચિત્ર, ડેકોરેશન, સાંતાક્લોઝના કપડા, પુસ્તકો, સીડી વગેરેની ઘરાકી નીકળી છે.

વેબદુનિયા પર વાંચો