ઇલેક્શન સ્પેશિયલ ફટાકડાંઓઃ કમળ અને પંજાઓ હવાની લહેરખીઓ સાથે લહેરાશે

બુધવાર, 14 મે 2014 (16:44 IST)
લોકસભાની ચૂંટણી પરિણામો ૧૬મી જાહેર થશે તેમાંયે એનડીએને સંપુર્ણ બહુમત મળી શકે છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તેવી સંભાવના છે. આ કારણોસર અમદાવાદ સહિત ગુજરાતમાં વિજયોત્સવની અત્યારથી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ફટાકડાં બજારમાં તો ઇલેકશન સ્પેશિયલની નવી વેરાઇટીઓ જોવા મળી રહી છે.આ ફટાકડાંની વિશેષતા એ છે કે, જેમાં મોટા અવાજ થતાં નથી બલ્કે ફટાકડાં ફુટતાં જ તેમાંથી ગુલાલની સાથે રંગબેરંગી કમળ અને પંજા હવામાં લહેરાતાં નીકળે છે.ચૂંટણીમાં જીતના જશ્નમાં ઇલેકશન સ્પેશિયલ ફટાકડાં આ વખતે મતગણતરી કેન્દ્રોની બહાર આકર્ષણ જન્માવશે.
 
અમદાવાદના દિલ્હી દરવાજાની બહાર આવેલા ફટાકડાં બજારમાં આજકાલ ઇલેક્શન સ્પેશિયલ ફટાકડાંએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.વેપારીનું કહેવું છેકે, આ નવી વેરાઇટીના ફટાકડાં અમદાવાદના વટવા, જમાલપુર અને દાણિલીમડામાં બને છે. પ્રદુષણ રહિત ઇલેકશન સ્પેશિયલ ફટાકડાં અત્યારે રૃ.૧૫૦ થી રૃ.૧૮૦ બોક્સ દીઠ ભાવથી વેચાઇ રહ્યાં છે. ધડાકા સાથે ફુટતા ફટાકડાં કરતાં આ વખતે ઇલેકશન સ્પેશિયલ ફટાકડાં વધુ વેચાશે. આ ફટાકડાંમાં રંગબેરંગી કાગળના કમળ અને પંજા નીકળશે સાથે ગુલાલ, જે જીતની ખુશીના માહોલને વધુ રંગીન બનાવશે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવી સંભાવનાને લઇને ફટાકડાં બજારના વેપારીઓ પણ ઘણાં જ ઉત્સુક છે કેમ કે, દિવાળી જેવી ઘરાકી થવાની આશા છે. હાલમાં તો ફટાકડાં બજારમાં ગ્રામ્ય વિસ્તારમાંથી કાર્યકરો ફટાકડાં ખરીદવા આવી રહ્યાં છે તેમ છતાંયે ઘરાકીનો માહોલ જામ્યો નથી. વેપારીઓને આશા છે કે, ૧૫મીએ ફટાકડાં બજારમાં દિવાળી જેવી ઘરાકી થશે. લોકો ફટાકડાંની ધુમ ખરીદી કરશે.
 

વેબદુનિયા પર વાંચો