ઇકો-ફ્રેન્ડલી ગણેશજી

શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2015 (15:26 IST)
અમદાવાદ શહેર સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવ ઊજવવામાં આવે છે. શહેરમાં 17 સપ્ટેમ્બરથી વિઘ્નહર્તાનું  સ્થાપન કરી દસ દિવસ સુધી  'ગણેશોત્સવ'ની ઉજવણી કરવામાં અાવશે. જ્યારે આ વર્ષે સૌથી વધુ ધ્યાન ઇકો-ફ્રેન્ડલી ગણેશજી પર રાખવામાં આવ્યું છે. આ વર્ષે  સર્વશ્રેષ્ઠ ગણપતિ અને કાર્યક્રમનું ઇનામ એ જ જીતશે, જેમના ગણપતિ ઇકો-ફ્રેન્ડલી હશે. ગણેશજીની મૂર્તિ ઇકો-ફ્રેન્ડલી છે કે નહિ તે પણ અેસોસિયેશન દ્વારા બનાવાયેલી કમિટી દ્વારા ચેક પણ કરવામાં આવશે.

ગણેશોત્સવની ઉજવણીને હવે  ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવની ઉજવણી  આનંદભેર થાય છે  ત્યારે શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ દુંદાળા  અને  વિઘ્નહર્તા દેવની  સ્થાપના કરવા માટે ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. 17મીએ ગણેશ સ્થાપના દસ દિવસ બાદ  વિસર્જનયાત્રા સુધીના તબક્કાના આયોજનોમાં ગણેશ મંડળો પણ સક્રિય બન્યાં છે. શહેરમાં આશરે 400 થી 500 જેટલી સંસ્થાઓ ગણેશ મહોત્સવની ઉજવણીમાં ભાગ લેતી હોય છે. જ્યારે 100 થીં 200 જેટલી સંસ્થાઓ ગણેશ મહોત્સવ દરમ્યાન રાખવામાં આવેલી સ્પર્ધામાં ભાગ લેતી હોય છે. 

અમદાવાદ સાર્વજનિક ગણેશ ઉત્સવ એસોસિયેશનના આગેવાન ગણેશ ક્ષત્રિયનું કહેવું છે કે દર વર્ષે એસોસિયેશન દ્વારા સર્વશ્રેષ્ઠ ગણપતિ તેમજ ડેકોરેશન અને બેસ્ટ થીમ માટે ઇનામ આપવામાં આવે છે. જ્યારે હવે ઇકો-ફ્રેન્ડલી ગણપતિ લોકો વધુ લેતા હોય છે, માટે આ વર્ષે જે પણ સંસ્થા સ્પર્ધામાં ભાગ લેશે તેમાં સૌથી વધુ  ધ્યાન ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ છે કે નહિ તે રહેશે. એસોસિયેશન દ્વારા પાંચ વ્યક્તિઓની કમિટી બનાવવામાં આવે છે. આ કમિટી દ્વારા સંસ્થાઓનું કામ તો જોવામાં આવશે તેમજ  ગણપતિ ઇકો-ફ્રેન્ડલી છે કે નહિ તે પણ કમિટી દ્વારા ચેક કરવામાં આવે છે. શહેરમાં  80 ટકા લોકો માટીમાંથી બનાવાયેલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે.  જ્યારે ગણેશ સ્થાપના અને વિસર્જનના સમય દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવશે.

આ અંગે ગણેશ ક્ષત્રિયે જણાવ્યું કે પોલીસ અને કોર્પોરેશન બંને દ્વારા અમને પૂરતો સહયોગ મળશે અને સ્થાપનાદિનથી લઈને વ‌િસર્જનના સમય સુધી કોઈ મુશ્કેલી ના થાય માટે દરેક શહેરમાં દરેક મંડપ પાસે પોલીસને તહેનાત પણ કરવામાં આવશે. જ્યારે કોર્પોરેશન અને પોલીસ સાથે થયેલી મ‌િટ‌િંગમાં અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે  જો ચાર રસ્તા પર પાણીના કન્ટેનર મુકવામાં આવે તો જે લોકો ઘરે ગણેશજી સ્થાપિત  કરે છે તેઓ ત્યાં વિસર્જન કરી શકશે તો ટ્રાફિક પણ ઓછો થશે અને લોકોને છેક નદી સુધી પણ આવવું નહિ પડે.

વેબદુનિયા પર વાંચો