આનંદીબેન પટેલના પ્રધાનમંડળનું કાલે વિસ્તરણ

મંગળવાર, 18 નવેમ્બર 2014 (14:26 IST)
રાજ્યમાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના પ્રધાનમંડળનું આગામી તા. ૧૯મી નવેમ્બરને બુધવારના રોજ બપોરે ૧૨.૩૯ કલાકના શુભમુહૂર્તે વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ માટે રાજભવનના પ્રાંગણમાં જ શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજ્યમાં મુખ્ય પ્રધાનપદેથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યા બાદ ગુજરાતનું સુકાન આનંદીબેન પટેલને સોંપાયું હતું. તત્કાલીન સમયે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પ્રધાનમંડળનું કદ ૨૧ સભ્યોનું રાખ્યું હતું. વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાને જોતા કેબિનેટ અને રાજ્યકક્ષાના મળીને કુલ ૨૭ પ્રધાનોનું સંખ્યાબળ રાખી શકાય. પ્રધાનમંડળના વિસ્તરણની છેલ્લાં ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પણ પ્રધાનમંડળના વિસ્તરણનું કાર્ય પાછુ ઠેલાતું હતું. તાજેતરમાં જ વિધાનસભાના અધ્યક્ષ તરીકે વનપ્રધાન ગણપતભાઈ વસાવાની વરણી કરાતાં તેમણે વનપ્રધાનપદેથી રાજીનામું આપતા પ્રધાનોની સંખ્યામાં ઘટાડો થયો હતો. પ્રધાનમંડળના વિસ્તરણથી કોઈ અસંતોષ ઊભો ન થાય તે માટે પાંચ જેટલાં સંસદીય સચિવોની પણ તાજેતરમાં જ નિયુક્તિ કરી દીધા બાદ પ્રધાનમંડળના વિસ્તરણની અટકળોએ જોર પકડ્યું હતું.

વેબદુનિયા પર વાંચો