આનંદીબેને છેલ્લે કરેલી જાહેરાતો રૂપાણીએ માળીયે લટકાવી દીધી ?

મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (14:54 IST)
ગુજરાતમાં નવા વરાયેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આનંદીબેને કરેલી જાહેરાતો અંગે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જનતાને આંચકો લાગે એવી રીતે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આનંદીબેન દ્વારા 15મી ઓગસ્ટથી ટોલ ટેક્સ નાબૂદ કરવાની જે જાહેરાત કરવામાં આવી હતી તે હાલ વિચારણા હેઠળ છે. રુપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાંથી ટોલ ટેક્સ નાબૂદ કરવા સરકાર વિચારી રહી છે, પરંતુ 15મી ઓગસ્ટની તારીખ તેના માટે ઘણી વહેલી છે. રુપાણીએ એમ પણ કહ્યું હતું કે, આનંદીબેન દ્વારા જે પણ જાહેરાતો કરવામાં આવી છે તેને અમલમાં મૂકવા માટે તેમની સરકાર પૂરેપૂરા પ્રયાસ કરશે.રુપાણીની સરકાર સામે મોટી ચેલેન્જ 2017ની ચૂંટણીમાં પક્ષનો દેખાવ જાળવી રાખવાની છે, ત્યારે 2017ની ચૂંટણીમાં પોતે પક્ષનો ચહેરો બનશે કે કેમ તે અંગે રુપાણીએ કહ્યું હતું કે, તેનો નિર્ણય પક્ષ લેશે. કેજરીવાલ જે રીતે ગુજરાતમાં સક્રિય થઈ રહ્યા છે તે અંગે રુપાણીએ કહ્યું હતું કે, કેજરીવાલ કોઈ પડકાર જ નથી. દિલ્હીમાં તેઓ સદંતર નિષ્ફળ નિવડ્યા છે, ચૂંટણી વખતે આપેલા વચનો પણ તેમણે નથી નીભાવ્યા. રુપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની પ્રજા કેજરીવાલ જેવી કોઈ તિકડમબાજી નહીં ચલાવે.
  

વેબદુનિયા પર વાંચો