આનંદીબહેન પટેલે સરકારી સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતાં અધિકારીઓમાં દોડધામ

સોમવાર, 25 ઑગસ્ટ 2014 (15:15 IST)
ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ગાંધીનગરમાં આવેલી સરકારી સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતાં સ્કૂલના સત્તાવાળાઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

બપોરે પોણાબાર વાગ્યે આનંદીબહેન પટેલ ગાંધીનગરમાં સેક્ટર ૭માં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિરમાં પહોંચી ગયાં હતાં. સ્કૂલમાં તેઓ સીધાં જ દસમા ધોરણના ક્લાસમાં ગયાં હતાં. મૂળ શિક્ષક અને અમદાવાદની સ્કૂલનાં પ્રિન્સિપાલ રહી ચૂકેલાં આનંદીબહેને ક્લાસમાં જઈને સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરી હતી અને તેમને કેટલાક પ્રશ્નો પૂછીને તેમનું જ્ઞાન ચકાસ્યું હતું. શિક્ષકો શું કરાવે છે, સ્કૂલમાં શું પ્રવૃત્તિઓ ચાલે છે એ સહિતની વાતો કરીને સ્કૂલ વિશે માહિતી પણ મેળવી હતી. તેમણે સ્કૂલમાં આવેલી કમ્પ્યુટર લૅબની પણ વિઝિટ કરી હતી.

સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગના મુદ્દે આનંદીબહેને મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘આજે મને સમય હતો અને અહીંથી નીકળી ત્યારે મનમાં વિચાર આવ્યો એટલે મેં સ્કૂલની વિઝિટ લીધી. સ્કૂલમાં સ્ટુડન્ટ્સની ગેરહાજરી ખૂબ રહે છે. લગભગ રોજ પચીસ ટકા બાળકો ગેરહાજર રહે છે. કમ્પ્યુટર છે પણ એની સફાઈ નથી થતી. ગાંધીનગરની સ્કૂલોમાં શિક્ષકો અને સ્ટુડન્ટ્સની ઘટ ક્યાં છે એ લઈને આવવા અધિકારીઓને જણાવ્યું છે.’

વેબદુનિયા પર વાંચો