આગામી પાંચ વર્ષમાં ગુજરાતને ઝૂંપડપટ્ટીમુક્ત કરવામાં આવશે: આનંદીબહેન

સોમવાર, 16 જૂન 2014 (12:03 IST)
રાજકોટની મુલાકાતે ગયેલાં ગુજરાતનાં ચીફ મિનિસ્ટર આનંદીબહેન પટેલે જાહેર કર્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ગુજરાતને ઝૂંપડપટ્ટીમુક્ત કરવામાં આવશે અને સરકાર જરૂરિયાતવાળા લોકોને પાકાં મકાનો આપવાની યોજનામાં છે. ગુજરાતનાં પ્રથમ મહિલા ચીફ મિનિસ્ટર આનંદીબહેને કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર પાંચ વર્ષમાં ગુજરાતને સ્લમ-ફ્રી બનાવવાના પ્રયત્નો કરી રહી છે. ગુજરાત સરકારે લોકો માટે પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓમાં ઘણો સુધારો કર્યો છે અને હવે જરૂરિયાતવાળા લોકોને પાકાં ઘર અને વંચિતોને ગુણવત્તાસભર શિક્ષણ પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.’

રાજકોટમાં વિવિધ સરકારી યોજનાઓની જાહેરાત સાથે જ આનંદીબહેને શહેરની ૮૧ સ્કૂલના ૩૫,૦૦૦ સ્ટુડન્ટ્સ માટે મિડ-ડે મીલ તૈયાર થઈ શકે એવા એક ઑટોમૅટિક કિચનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. સ્કૂલનાં બાળકોને હેલ્ધી ભોજન માટે રાજ્યના તમામ જિલ્લામાં આવા કિચનની યોજના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજકોટમાં તેમણે મુખ્ય પ્રધાન ગૃહ યોજના અંતર્ગત કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રૉ સિસ્ટમના વિજેતાઓનાં નામ પણ જાહેર કયાર઼્ હતાં. વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ નર્મદા પરના સરદાર સરોવર ડૅમમાં ગેટ્સ ઇન્સ્ટૉલ કરવાની પરમિશન આપી એ બદલ તેમનો આભાર માનીને આનંદીબહેને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ આવવાની આશા પણ વ્યક્ત કરી હતી.

વેબદુનિયા પર વાંચો