આઇએએસ અધિકારીઓ સાથે નવ ટીમ વાઈબ્રન્ટનું માર્કેટિંગ કરવા વિદેશોનો પ્રવાસ ખેડશે

શુક્રવાર, 8 ઑગસ્ટ 2014 (15:11 IST)
ગુજરાતના ૯ સનદી અધિકારીઓની આગેવાની હેઠળ નવ જૂથો આવતા મહિનાથી તબક્કાવાર વિદેશોનો પ્રવાસ ખેડશે. રાજ્યનું માર્કેટિંગ કરવા તથા આવતા જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ મૂડીરોકાણ પરિષદ માટે વિદેશી કંપનીઓને આમંત્રણ આપવા જનારા આ ડેલીગેશન્સમાં આ વખતે વરિષ્ઠ અધિકારીઓ નહીં જોડાય.

મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને જાપાન, યુ.કે., ચીન, ઓસ્ટ્રેલિયા જેવા, આવતી વાઇબ્રન્ટ પરિષદમાં પાર્ટનર કન્ટ્રી બનવા માગતી દેશોની સરકારો તરફથી મુલાકાત માટે આમંત્રણ મળી ચૂકયાં છે. અલબત્ત ક્યાં અને ક્યારે જવું એ અંગે એમનો કાર્યક્રમ હજી નક્કી નથી, પરંતુ એ જવાનું નિશ્ચિત થશે તો એમનો કાર્યક્રમ મોટેભાગે સપ્ટેમ્બરમાં બનશે, એમ ટોચના સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે.

અત્યાર સુધી વાઇબ્રન્ટ પરિષદ માટેના ડેલીગેશન્સમાં સામેલ થતા રહેલા વરિષ્ઠ અધિકારીઓ - એચ. કે. દાસ, ડી. જે. પાંડિયન વગેરે આ વખતે વિદેશ નહીં જાય, પણ આયોજન કાર્યોમાં વ્યસ્ત રહેશે. તદુપરાંત ઇઝરાયલ ખાતે યુદ્ધની સ્થિતિને કારણે ત્યાં કોઇ જશે નહીં, એમ પણ જણાવાઇ રહ્યું છે.

આઇએએસ અધિકારીઓ - ડૉ. જે.એન. સિંઘ, અતનુ ચક્રવર્તી, ગિરીશચંદ્ર મુરમૂ, પંકજકુમાર, એલ. ચુઆન્ગો, બી.બી.સૈન, એ.કે. રાકેશ અને કમલ દયાની તથા આઈએફએસ અધિકારી ભરત લાલની આગેવાની હેઠળ કુલ નવ પ્રતિનિધિ મંડળો નિશ્ચિત દેશોમાં ૫ થી ૭ વર્કિંગ દિવસોમાં સપ્ટેમ્બરમાં તબક્કાવાર પ્રવાસ ખેડશે. આ પ્રત્યેક પ્રતિનિધિ મંડળમાં સ્થાનિક ૧૦ કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ થશે એવું ઔપચારિક નક્કી થયું છે, જો કે છેલ્લે એ યાદી ૨૫ વ્યકિતઓ સુધીની થઈ જતી હોય છે.

સૂત્રો કહે છે કે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ૯મી જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની પ્રથમ વાર ગુજરાતમાં થનારી ઉજવણીમાં ભાગ લેવા આવી રહ્યાં હોવાનું નક્કી છે, પણ તેઓ ૧૨-૧૩ જાન્યુઆરી, '૧૫ની સાતમી વાઇબ્રન્ટ પરિષદના કાર્યક્રમમાં ભાગ લેશે કે કેમ તે હજી નક્કી થયું નથી.

ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૩થી નિયમિત એકાંતરે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં કરોડો રૃપિયાનું આંધણ કરવા છતાં પરિણામો પ્રોત્સાહક સાંપડયા નથી, આમ છતાં ઘરેડ પ્રમાણે જાન્યુઆરી-૨૦૧૫માં સાતમી પરિષદ યોજવા રાજ્ય સરકાર મક્કમ છે.

સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીની ૬ વાઇબ્રન્ટ પરિષદોમાં રાજ્ય ખાતે કુલ ૬૪ લાખ કરોડના મૂડી રોકાણ માટે કુલ ૩૬,૪૨૪ એમઓયુ થયા હતા, જે પૈકી માત્ર ૭.૫૨ લાખ કરોડનું મૂડીરોકાણ અત્યાર સુધીમાં આવ્યું છે, જે રોકાણ જાહેર થયેલા મૂડીરોકાણ સામે કેવળ ૧૧.૭૫ ટકા છે.

વેબદુનિયા પર વાંચો