અલ્પેશ ઠાકોરને સરકારી એજન્સીઓ પર વિશ્વાસ નથી

શુક્રવાર, 22 જુલાઈ 2016 (11:24 IST)
ઉનામાં દલિત યુવકોને માર મારવાના મામલો મોટા સામાઢિયાળાથી દેશની સંસદ સુધી ગુંજી રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દલિતકાંડ મુદ્દે રાજનીતિ કરવાની એક પણ તક ગુમાવી રહી નથી. તો બીજી બાજુ ઓબીસી એક્તા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર પણ દલિતો મુદ્દે પોતાનો રોટલો શેકવા માટે તૈયાર થઇ ગયા છે. અલ્પેશ ઠાકોરે આજે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ કેસની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી છે.

પરંતુ દેશની કોઇ પણ તપાસ એજન્સી પર અમને ભરોષો રહ્યો નથી. જેથી ઉના દલિત અત્યાચાર મુદ્દે અમે ટૂંક સમયમાં નામદાર હાઇકોર્ટમાં સ્પેશિયલ પીટીશન દાખલ કરીને હાઇકોર્ટના સીટીંગ જજની વઢપણ હેઠળની કમિટી દ્વારા તપાસ કરવા માગ કરીશું.

અલ્પેશ ઠાકોરે તપાસ એજન્સી દ્વારા કરવામાં આવતી તપાસ મુદ્દે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, થાનગઢમાં દલિત હત્યાકાંડમાં ૩માંથી ૨ દલિકોના કેસમાં જે રીતે સી સમરી ભરી દેવામાં આવી તે જોતાં સરકારી તપાસ સંસ્થાઓ પર હવે અમને ભરોષો રહ્યો છે. દેશની વિવિધ તપાસ એજન્સીઓ જેવી કે, પોલીસ, સીઆઇડી, સીબીઆઇ કે પછી એસઆઇટી દ્વારા કોઇપણ કેસ ની  નિષ્પક્ષ તપાસ થશે કે નહી તે મોટો પ્રશ્ન છે. હવે અમને માત્ર ન્યાયતંત્ર પર જ ભરોષો છે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે જૂલાઇ ૨૦૧૫માં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગમાં પત્ર લખ્યો હતો. જેમાં સરકાર પાસે રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં દલિતો પર થતા અત્યાચારોમાં વધારો થયો છે.  અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, સરકારને અગાઉથી જાણ કરવા છતાં પણ દલિતો પરના દમન રોકવા માટે સરકારે કોઇ પગલાં ઉઠાવ્યા ન હતા જેથી સામાજીક ન્યાય અને આધિકારીકતા મંત્રી રમણલાલ વોરા અને રાજ્યગૃહ મંત્રી રજની પટેલે તાત્કાલિક રાજીનામુ આપવું જોેઇએ.

વેબદુનિયા પર વાંચો