અમિત શાહે ગુજરાત પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

બુધવાર, 25 જાન્યુઆરી 2012 (10:28 IST)
P.R
ગુજરાતમાં પ્રવેશબંધીના સૂપ્રીમ કોર્ટના નિર્ણયના લાંબા સમય બાદ આખરે પૂર્વ ગૃહમંત્રી અમીત શાહે સૂપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી તેમને ગુજરાતમાં પ્રવેશવા માટેની અનુમતી આપવા દાદ માગી છે. છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી અમીત શાહ ગુજરાતની બહાર રહેવાના આદેશને કારણે ગુજરાતમાં પ્રવેશ્યા નથી.

આ કેસની વિગત એવી છેકે સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ દ્વરા જુલાઇ 2010માં અમીત શાહની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઓકટોબર 2010મા તેમને જામીન પર મુક્ત કર્યા હતા. અમીત શાહને અપાયેલા જામીન સામે સીબીઆઇએ સૂપ્રીમ કોર્ટ સમક્ષ રીટ કરી તત્કાલ તેમની જામીન રદ કરવા માટે દાદ માગી હતી. જે કેસની સુનાવણી હજુ ચાલુ છે. સૂપ્રીમ કોર્ટે તે સમયે વચગાળાના હુકમ તરીકે અમીત શાહને ગુજરાતની હદમાં પ્રવેશવા સામે પ્રતિબંધ લાદ્યો હતો. જે હુકમના પાલન માટે અમીત શાહ પહેલા મુંબઇ ખાતે રહેતા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેઓ દિલ્હી ખાતે રહે છે.

સૂપ્રીમકોર્ટ સમક્ષ તેમણે કરેલી એક અરજીમાં એવી રજૂઆત કરી છેકે તેઓ લાંબા સમયથી ગુજરાત બહાર છે. તેમની સરખેજ વિધાનસભા મત વિસ્તારના નાગરીકોને તેને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. એટલું જ નહી પણ તેઓ ગુજરાત ક્રિકેટ એસોસીએશનના ઉપપ્રમુખ પણ છે અને તેની જવાબદારી પણ તેઓ નિભાવી નથી શકતા. તે માટે જરૂરી બેઠકો પણ થઇ શકતી નથી. આવી સ્થીતીમાં તેમને ગુજરાતમાં પ્રવેશવા તેમજ ત્યાં રહેવાની પરવાનગી આપવામાં આવે. સૂપ્રીમકોર્ટે તેમની સામે કરેલા આદેશ બાદ તેઓ ગુજરાતની બહાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દિન એન્કાઉન્ટરની તપાસ સૂપ્રીમકોર્ટ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવ્યા બાદ તે સમયના ગૃહ રાજયપ્રધાન અમીત શાહની ધરપકડના ચક્રોગતિમાન થતાં તેઓ ભુગર્ભમાં ઉતરી ગયા હતા. તેમણે મુખ્યમંત્રીને પોતાનું રાજીનામુ મોકલાવી આપ્યું હતું અને તે બાદ તેઓ ભાજપા કાર્યાલય ખાતે અચાનક આવી ચઢી ત્યાંથી તેમના પક્ષના અગ્રણીઓ સાથે ગાંધીનગર ખાતે પહોંચી જઇ તેમણે પોતાની ધરપકડ વહોરી હતી

વેબદુનિયા પર વાંચો