અમદાવાદ માં ૧૧ જગ્યાએ નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની મંજૂરી

શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (16:04 IST)
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં ચૂંટણીલક્ષી દરખાસ્તોની ભાજપ દ્વારા મંજૂરીઓનો સીલસીલો શરૂ થયો છે. આજે પણ શહેરમાં ૧૧ નવા અર્બન હેલ્થ સેન્ટર રૂ. ૯.૪૮ કરોડના ખર્ચે બનાવવા નિર્ણય કર્યો છે.

શહેરીજનોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી શહેરનાં વિવિધ વિસ્તારમાં ૬૪ અર્બન હેલ્થ સેન્ટર/ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કાર્યરત છે. જેને કારણે શહેરનાં નગરજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઘરની નજીકનાં સેન્ટર ઉપર પ્રાપ્ત થાય તે માટે આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં ૯.૫૦ કરોડનાં ખર્ચે શહેરમાં ૧૧ જગ્યાએ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવાનાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પટેલે જણાવ્યું હતું કે, અર્બુદાનગર, કૃષ્ણનગર, સાબરમતી, વટવા, લાંભા, રકિયાલ, ગોતા, વસ્ત્રાલ કાળીવોર્ડ, બહેરામપુરા, સ્ટેડિયમ વોર્ડ ખાતે નવા અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવશે.

ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દુધેશ્વર વોર્ડમાં આવેલ લાલાકાકા કોમ્યુનિટી હોલને તોડીને તેના સ્થાને રૂ. ૨.૪૧ કરોડનાં ખર્ચે બે માળનો કોમ્યુનિટી હોલ તૈયાર કરવાનાં કામને મંજૂરી આપવામાં આવી છે. નવો તૈયાર થનાર હોલ ૧૫૩૮ ચો. મીટરનું ક્ષેત્રફળ ધરાવતો હોલ બનશે, તેમજ હોલ ૨ એ.સી. રૂમ તથા ૧૪ સીસી ટીવી કેમેરા મુકવામાં આવશે. ખુલ્લી જગ્યામાં લેન્ડ સ્કેપિંગ કરવામાં આવશે. તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ હોલમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ મુકવામાં આવશે. વસ્ત્રાલ ખાતે રૂ. ૬૩.૩૭ લાખના ખર્ચે મ્યુ. ગાર્ડન તથા રૂ. ૧.૪૩ કરોડનાં ખર્ચે મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ તૈયાર કરવાનાં તેમજ જમાલપુર ખાતે રૂ. ૧.૧૯ કરોડનાં ખર્ચે મ્યુનિ. પાર્ટી પ્લોટ ડેવલપ કરવા તથા પહેરામપુરા ખાતે રૂ. ૬૫ લાખનાં ખર્ચે મ્યુનિ. પાર્ટી પ્લોટ તૈયાર કરવા મંજૂરી આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો