અમદાવાદીઓને હવે નયનરમ્ય બગીચાઓની સુખ-સુવિધા મળશે

શનિવાર, 30 નવેમ્બર 2013 (13:11 IST)
P.R
સમગ્ર દેશમાં બેંગલુરુ બગીચાઓની નગરી ગણાય છે. બેંગલુરુના બગીચા આંખને તો ઠીક, પરંતુ હૃદયને પણ ઠંડક આપનારા હોય છે. કમનસીબે આપણા અમદાવાદમાં લોકોને એવા નયનરમ્ય બગીચાઓનું સુખ નથી. મ્યુનિ. કોર્પોરેશન માલિકીના બગીચા તંત્ર દ્વારા અમૂલને સારસંભાળ માટે અપાયા છે. અમૂલ હસ્તકના બગીચા સારસંભાળના મામલે અત્યાર સુધી ભારે કંગાળ હાલતમાં હતા, જોકે હવે આ બગીચા સુંદર જોવા મળશે તેવું લાગી રહ્યું છે.

તંત્રએ બગીચાની સારસંભાળ માટે અમૂલને કોન્ટ્રેક્ટ આપ્યો છે. અમૂલ બગીચામાં પોતાનું પાર્લર ખોલી શકે તે શરતે આ કોન્ટ્રેક્ટ અપાયો છે. મ્યુનિ. માલિકીના ૨૦૫ બગીચા પૈકી ૧૧૯ બગીચાની સારસંભાળ અમૂલ પાસે છે, જોકે અમૂલ જેટલું ધ્યાન પોતાનાં પાર્લર પ્રત્યે રાખે છે તેનાથી સાવ વિપરીત રીતે બગીચાની ઉપેક્ષા કરે છે. અસંખ્ય લોકોએ આ અંગે તંત્ર સમક્ષ વારંવાર ફરિયાદ પણ કરી છે.

બાગ-બગીચા ખાતાનાં ઉચ્ચ વર્તુળો કહે છે કે અમૂલને એવી ચેતવણી પણ અપાઇ છે કે જો બાગ-બગીચાની સારસંભાળમાં બેદરકારી યથાવત્ રહેશે તો કોર્પોરેશન અમૂલ સાથેનો કોન્ટ્રેક્ટ રદ કરતા પણ ખચકાશે નહીં. એટલે અમૂલે હવે પોતાના હસ્તકના બગીચાની સારસંભાળ પ્રત્યે ગંભીરતા દાખવવી જ પડશે. અન્યથા કોન્ટ્રેક્ટ ગુમાવશે.

વેબદુનિયા પર વાંચો