અમદાવાદમાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા? ડિસ્કો રસ્તાઓથી જનતા ત્રાસી

બુધવાર, 27 મે 2015 (14:16 IST)
શહેરમાં રોડના કામકાજ પાછળ સુધરાઈએ છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. એક હજાર કરોડથી પણ વધુ ખર્ચી નાખ્યા છે તેમ છતાંય શહેરમાં રોડ અને રસ્તા સાવ બિસ્માર હાલતમાં ઠેરના ઠેર છે. ૨૩ જગ્યાએ વિકાસના કામ કરતા કરતા રસ્તા પર મોટા ખાડા (ભૂવા) પડ્યા છે. સામાન્ય રીતે ચોમાસામાં જ ભૂવા પડતા હોય છે. પોચી પડેલી જમીન પર વરસાદી પાણી ઠલવાતા તેટલી જમીન બેસી જતા મોટા ખાડા (ભૂવા) પડતા હોય છે. પરંતુ અમદાવાદ મનપા તંત્રની બલિહારી છે કે હવે શહેરમાં ભરઉનાળે ચોમાસામાં પડે તેના કરતા મોટા ખાડા પડે છે.

સામે ચોમાસું ઊભું છે ત્યારે પ્રિમોન્સૂન પ્લાન અને બીજાં રિપેરિંગના કામ થઈ રહ્યાં છે ને સાથે સાથે ‘એક સાંધતા તેર તૂટે’ની જેમ એક કામ કરતા રોડ રસ્તા પર ખાડા ફૂટી નીકળે છે. અમદાવાદના ઉત્તર ઝોનમાં સરદારનગરથી કોતરપુર, ઠક્કરનગરથી ઉત્તમ પાર્ક રોડ પર સ્ટ્રોમ વોટરના કામ દરમિયાન મોટા ખાડા પડ્યા છે. જ્યારે સરસપુર અને સૈજપુરથી કુબેરનગર રોડ પર ડ્રેનેજના કામે ગાબડાં પડ્યાં હતાં.

શહેરમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ખાડા પડવાનો રેકોર્ડ છે. આવકાર હોલથી ગોવિંદવાડી થઈ કોઝી હોટલ સુધી ડકલાઈનના કામ દરમિયાન ખાડો પડ્યો હતો જ્યારે હીરાભાઈ ટાવરથી કેનાલ, દીવાન બલ્લુભાઈ, કાંટોડિયા મેલડીમાતાથી બહેરામપુરા રિવરફ્રન્ટ સુધી, બળવંતરાય હોલથી અપ્સરા ટોકિઝ, અનુપમ સિનેમા - દેડકી ગાર્ડન - રેલવે યાર્ડથી ફૂટબોલ મેદાન, ખોડિયારનગર ચાર રસ્તાથી આંબેડકર બ્રિજ અને ગુરુજી બ્રિજથી આવકાર હોલ સુધી સ્ટ્રામવોટરના કામને લીધે ખાડા પડ્યા છે. જ્યારે મીરાં ટોકિઝ ચોકડીવાળા રોડ પર મોતના કૂવા જેવા ખાડા પડ્યા છે.

શહેરમાં મધ્ય ઝોનમાં ૩ રોડ ખાડાની ઝપેટમાં આવ્યા છે. જેમાં મિરઝાપુરનો ત્રિકોણીયા બગીચા રોડ અને દૂધેશ્ર્વર મહાકાળી મંદિરથી ભાળિયા લીમડી સુધીના વિસ્તારમાં ડ્રેનેજના કામે ખાડાને અવતાર આપ્યો છે. પૂર્વ ઝોનમાં પણ સ્ટ્રોમવોટરના કામને કારણે ખોખરા બ્રિજથી સુખરામનગર પાણીની ટાંકી સુધી અને વસ્ત્રાલથી આરટીઓ સુધીના રોડ પર ખાડે ખાડા છે. જ્યારે વરસાદી પાણીના નિકાલ માટે બાપા સીતારામ ચોક નરોડામાં પાણીના નિકાલના કામ વખતે રસ્તા ખોદી કઢાયા હતા. પશ્ર્ચિમ ઝોનમાં પણ મીઠાખળી અન્ડરપાસ વરસાદી પાણીના નિકાલના કામ કરતા કરતા મોટો ખાડો પડ્યો હતો. પાલડી ભઠ્ઠામાં પણ મોટો ભૂવો પડ્યો હતો. નવા પશ્ર્ચિમ ઝોનમાં બુટભવાની ક્રોસિંગ, જોધપુર ગામ, વેજલપુરથી એસજી હાઈવે તરફ જતા રોડ પર પણ મોતના કૂવા જેવા ખાડા પડ્યા છે.

શહેરીજનો વ્યંગમાં ભૂવાનગર પણ કહે છે ત્યારે રોડ રિસ્ટ્રક્ચરને રિપેરીંગને નામે આડેધડ લેવલીંગ કરવાની લહાયને કારણે કેટલાય વિસ્તારોમાં રોડના લેવલ ઊંચાનીચા થઈ ગયા છે. જેને લીધે શહેરમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. કરોડના ખર્ચે રોડ રસ્તાને વિકાસના કામોમાં આડેધડ પ્લાનિંગને લીધે જ વરસાદી પાણી ભરાતું હોવાના પણ વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખે સત્તાપક્ષ પર આક્ષેપો લગાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો