અનામતનો લાભ લેવા વિર્ધાર્થી બન્યા ટ્રાન્જેન્ડર બન્યા

મંગળવાર, 21 જૂન 2016 (13:09 IST)
ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં એડમીશન માટે અરજી કરનાર વિદ્યાર્થીઓના વેરીફિકેશન દરમિયાન ચોંકાવનારી હકિકત સામે આવી છે. આ વેરીફિકેશનમાં ૩ વિદ્યાર્થીઓ એવા મળી આવ્યા છે જેમણે પોતાની ઓળખ ટ્રાન્જેન્ડર બતાવી હતી. આ અંગે જ્યારે જીટીયુના અધિકારીઓએ તપાસ કરી તો ચોંકાવનારુ સત્ય સામે આવ્યુ હતું. વાસ્તવમાં આ વિદ્યાર્થીઓ ટ્રાન્જેન્ડર નહતા.

 પરંતુ ટ્રાન્જેન્ડર માટેની અનામત બેઠકો પર પ્રવેશ મેળવવા માટે તેમણે ટ્રાન્જેન્ડર હોવાનુ નાટક કર્યુ હતું. આ પહેલા પણ જીટીયુમાં ગત વર્ષે કેટલાક વિદ્યાર્થીઓએ ભુલથી પોતાના પ્રવેશ ફોર્મમાં ટ્રાન્જેન્ડરના બોક્સ આગળ સાઈન કરી હતી. જેના કારણે પ્રવેશ સમિતિ મુશ્કેલીમાં મુકાઈ હતી.  ત્યારે આ પ્રકારે એડમિશન લેવાના ઈરાદે આચરવામાં આવતી છેતરપીંડીથી અત્યારે યુનિવર્સિટી પણ ચોંકી ઉઠી છે.

 યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યુ હતું કે, ગત વર્ષે ૪૦થી ૫૦ એવી એપ્લિકેશન મળી હતી કે જેમાં વિદ્યાર્થીઓએ ભુલથી પોતાના ફોર્મમાં ટ્રાન્જેન્ડરના બોક્સ આગળ સાઈન કર્યુ હતું. જોકે, તે લોકોએ ભુલથી આવુ કર્યુ હોવાનુ સાબિત થતા તેમની સામે કોઈ કાર્યવાહી કરાઈ નહતી.

જોકે, આ વખતે જે ત્રણ વિદ્યાર્થીઓએ પોતાના ફોર્મમાં ટ્રાન્જેન્ડરની ઓળખ બતાવી છે તેમણે અનામતનો લાભ લેવા માટે જાણી જોઈને આ પ્રકારનું કામ કર્યુ છે. જેના કારણે તેમને પોતે ઇચ્છતા હોય તે અભ્યાસક્રમમાં પ્રવેશ મળી જાય. ઉલ્લેખનીય છે કે, જીટીયુમાં ટ્રાન્જેન્ડરને અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે.જોકે આ માટે વિદ્યાર્થીઓ ન મળતા હોવાથી મોટાભાગે એ બેઠકો ખાલી રહેતી હોય છે.

વેબદુનિયા પર વાંચો