અજીબ કિસ્સોઃ ફક્ત જમવા માટે ત્રણ દિવસ સુધી ઘરમાં સંતાઇ મહિલા ચોર

મંગળવાર, 26 મે 2015 (16:39 IST)
સોસાયટી વિસ્તારમાં આવતા ફેરીયાઓ પ્રત્યે સચેત નહીં રહેનારા કેવી મુશ્કેલીમાં મુકાય છે તેનો આ કિસ્સો છે. ચબરાક લોકો પણ આવા લોકોના ટ્રેપમાં ફસાઇ જાય છે. આ કિસ્સો જીવરાજપાર્ક વિસ્તારનો છે જ્યાં મહિલાઓના માથાના વાળની ગૂંચો ખરીદનાર એક મહિલા ઘરના લોકોની નજરથી બચીને ઘરના માળીયામાં ભરાઇ ગઇ હતી. ઘરના બધા બહાર જાય ત્યારે તે માળીયા પરથી ઉતરીને શાંતિથી જમીને ફરી ઉપર સંતાઇ જતી હતી. ઘરમાં જમવાનું ખૂટતા ભૂત ડાકણ જેવી વાત પર પણ વહેતી થઇ હતી. જોકે ઘરના લોકોએ ભેદ પકડી પાડતાં સૌ ચોંકી ઉઠયા હતા.
સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સાની વિગત એવી છે કે સોસાયટીમાં ખરીદી માટે લારી પર ભેગી થયેલી મહિલાઓ સમક્ષ વાળ ખરીદતી એક મહિલા પણ આવી હતી. બધાએ વાળ અંગેના ભાવતાલ પૂછ્યા હતા. આ વાળ ૨૦૦ રૃપિયે ૧૦૦ ગ્રામ ખરીદાય છે. વાતચીત દરમ્યાન ઠઠ્ઠા-મશ્કરી ચાલતી હતી તેનો લાભ ઉઠાવીને વાળ લેવા આવેલી મહિલા એક ખુલ્લા ઘરમાં ઘુસી ગઇ હતી. ઘરમાં એક યુગલ અને તેમની પુત્રી રહેતા હતા.
માતા-પિતા નોકરી કરતા હતા અને તેમની પુત્રી કોલેજમાં ભણતી હતી. ઘરની વ્યવસ્થા એવી હતી કે માતા રસોઇ બનાવીને ઓફિસ જતી અને પુત્રી બપોરે કોલેજથી આવીને તે જમી લેતી હતી. પરંતુ એ દિવસોમાં પુત્રી ઘેર આવી ત્યારે જમવાનું નહોતું અને વાસણો ખાલી હતા. પુત્રીએ તરત જ મમ્મીને ફોન કર્યો કે મમ્મી જમવાનું નથી બનાવ્યું? મમ્મીને આ સાંભળીને આશ્ચર્ય થયું કેમકે તે જમવાનું ઢાંકીને ગઇ હતી.

મમ્મી ઘેર આવી એટલે માતા-પુત્રી વચ્ચે ચકમક થઇ હતી. બીજા દિવસે પણ પુત્રી ઘેર આવી ત્યારે જમવાનું નહોતું. ફરી ચકમક થઇ. ત્રીજા દિવસે મમ્મીએ રસોઇ બનાવીને પુત્રીને ફોન કર્યો કે રસોઇ ઢાંકીને મુકી છે પરંતુ પુત્રી કોલેજથી ઘેર આવી ત્યારે વાસણો ખાલી હતા. ઘરમાં જમવાનું અદ્રશ્ય થઇ જાય છે એ ઘરની વાત સોસાયટીમાં ચર્ચાવા લાગી હતી.
કોઇએ કહ્યું કે માતાજી જમવા આવે છે તો કોઇએ કહ્યું કે ઘરમાં ભૂત છે. જોકે ઘરના સભ્યો ચબરાક હતા. ચોથા દિવસે પુત્રી કોલેજ ગઇ, માતા જમવાનું બનાવીને ઓફિસ ગઇ અને ઘર બંધ કરતી ગઇ પરંતુ પિતા ઘેર રહ્યા હતા. ઘરમાં રાખેલી તિજોરી પરના અરીસામાંથી માળીયું તેમજ રસોડું દેખાતું હતું.

બરાબર બપોરના ૧૨ વાગ્યા કે એક મહિલા રસોડામાં ફરે છે એવું તિજોરીના અરીસામાંતી જોઇ ઘેર રહેલા પિતા અચંબામાં પડી ગયા હતા. પિતા સમજી ગયા કે આ કોઇ ભૂત-પ્રેત નથી પણ ઘરમાં કોઇ છૂપાઇ રહેલું છે.
પિતાએ બહાર નીકળીને રૃમનું બારણું બંધ કરીને પોલીસને બોલાવી હતી. બપોરે જમી જતું ભૂત પકડયું છે તે જાણીને લોકોના ટોળેટોળાં ભેગા થઇ ગયા હતા. પોલીસે ભૂતને ચોટલાથી પકડીને બહાર કાઢ્યું હતું.

દરેકે જોયું કે આ ભૂત નથી પણ વાળ વેચાતા લેવા આવનાર મહિલા છે. આ ઠગ મહિલાએ કબુલ્યું કે ઘરના લોકોની નજર ચૂકવીને તે ઘરમાં ભરાઇ હતી અને પછી માળીયામાં છૂપાઇ ગઇ હતી. ત જ બપોરના ઘરના બધા બહાર હોય ત્યારે નીચે ઉતરીને જમી લેતી અને નાવા-ધોવાનું પતાવીને ફરી માળીયે છૂપાઇ જતી હતી. ઘરમાં જમવાનું અદ્રશ્ય થઇ જવા અંગેની ચકમક તેમજ ભૂતની વાતો પણ હું સાંભળતી હતી. આ મહિલાએ ઘરમાંથી ચોરેલી ચીજોના પોટલાં પણ માળીયા પર સંતાડી રાખ્યા હતા. તે ભાગવાની ફીરાકમાં હતી પરંતુ જાગૃત કુટુંબે પોતે જ છટકું તૈયાર કરીને તેને પકડી પાડી હતી.
પોલીસે અને લોકોએ તેને ફટકારી હતી અને ત્રણ દિવસ મફત ખાધેલું ઓકાવી દીધું હતું. આ સ્ટોરી સોસાયટી વિસ્તારોમાં આવતા ફેરીયાઓથી ચેતતા રહેવાનું સૂચવે છે.

વેબદુનિયા પર વાંચો