અક્ષય તૃતીયા લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ

શુક્રવાર, 10 મે 2013 (11:38 IST)
P.R
આ વર્ષે એવું બન્યું છે કે પરશુરામ જયંતી અને અખાત્રીજની ઉજવણી અલગ-અલગ દિવસે યોજાશે. જે અંતર્ગત તા.૧૨મી મેના રોજ બપોર પછી ત્રીજનો પ્રારંભ થાય છે માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન પરશુરામનાં જન્મ સંબંધિત નક્ષત્ર-ઘટી મુજબ રવિવારે પરશુરામ જયંતીની ઉજવણી થશે. જ્યારે અક્ષય તૃતીયા કે જે લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણવામાં આવે છે. માટે આ વર્ષે રવિવાર અને સોમવાર એમ બંને દિવસે ગુજરાતમાં પુષ્કળ લગ્નો છે. બંને દિવસનાં થઇને અંદાજિત રાજ્યમાં ૨૫ હજારથી વધુ લગ્નો યોજાશે.

અખાત્રીજ, સોમવારનાં દિવસે જ જૈન વર્ષી તપનાં પારણાનો દિવસ છે. અમદાવાદમાં પણ વર્ષી તપનાં તપસ્વીઓનાં પારણા ઇક્ષુ(શેરડી)નાં રસથી કરવામાં આવશે. આ બે દિવસોમાં રાજ્યભરમાં લગ્ન સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ભૂદેવો-ડેકોરેટર્સ-કેટરર્સ-પાર્ટી પ્લોટ-ક્લબોમાં ભારે વ્યસ્તતા જોવા મળી રહી છે. અંતિમ સમયે લગ્ન કરનારાઓ માટે તો ભૂદેવોથી માંડી પાર્ટી પ્લોટ અને વાહનો પણ મળવા મુશ્કેલ થઇ ગયા છે. અમદાવાદમાં રવિવારે પરશુરામ જયંતી નિમિત્તે બ્રહ્મસમાજની બે શોભાયાત્રા નીકળી હતી. જે અંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનાં રાજ્યકક્ષાનાં પ્રતિનિધિ બિપીનભાઇ શુક્લે કહ્યું કે વેદ મંદિર-કાંકરિયાથી સાંજે ૪.૦૦ વાગ્યે શોભાયાત્રા નીકળશે અને તે રાયપુર થઇને સારંગપુર દરવાજા બહાર આવેલા કર્ણમુક્તેશ્વર મહાદેવ પહોંચશે. જ્યારે બીજી શોભાયાત્રા સવારે ૭.૩૦ વાગ્યે કોશલેન્દ્ર મઠ, રામજી મંદિર, પાલડીથી નીકળશે અને બપોરે ગાયત્રી મંદિર, રાણીપ ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રામાં બેન્ડવાજા, ભજનમંડળી સહિત બ્રહ્મસમાજનાં ભાઇ-બહેનો, બાળકો જોડાશે. જ્યારે શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત પણ કરાશે.

અક્ષય-તૃતીયાનાં દિવસે જગન્નાથજી મંદિર-જમાલપુર-અમદાવાદ ખાતે પરંપરાગત રીતે રથયાત્રાનાં દિવસે નીકળનારા ભગવાનનાં રથનાં સમાર-નિર્માણ કાર્યનો સોમવારથી પ્રારંભ થશે. આ અંગે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે વર્ષોની પરંપરા અનુસાર અખા-ત્રીજથી ભગવાનનાં રથનાં સમારકાર્યનો પ્રારંભ થશે. જે અંતર્ગત જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં સવારે ૯થી ૧૦ દરમિયાન આ વિધિવત્ સમારકાર્યનો પ્રારંભ થશે. જ્યારે અક્ષય-તૃતીયાનાં દિવસે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ ખાતે ભગવાનને ચંદનનાં વાઘાની સાથે સોનાનાં પુષ્પ પણ ચઢાવવામાં આવશે, એમ કહી મંદિરના મહંત આનંદપ્રિયદાસજીએ જણાવ્યું કે આ દિવસે ભગવાનને અક્ષત અને પુષ્પ ચઢાવવામાં આવે છે. મંદિર ખાતે ભગવાનનાં ચંદનનાં વાઘાનાં શણગારનાં દર્શન સવારે ૭.૪૫થી ૯.૪૫ અને ૧૦.૩૦થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી યોજાશે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું. દ્વાપર યુગનું સમાપન થયું હતું. વૃંદાવનમાં બાંકેબિહારીનાં ચરણાર્વિંદનાં દર્શન આ જ દિવસે થાય છે. નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું વલ્લભાચાર્યજીએ આ જ દિવસે પધરાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો