અંતે તે શિક્ષકા બની ખરી...

અલ્કેશ વ્યાસ

શનિવાર, 6 સપ્ટેમ્બર 2008 (08:59 IST)
PRP.R
પમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. દરેક શાળામાં તેની ઉજવણી થતી હોય છે. આ તસ્વીર પણ આવા જ એક વર્ગખંડની છે. પરંતુ અહીં વાત કંઇક અલગ છે. સામાન્ય દેખાતી આ તસ્વીરમાં અસામાન્ય વાત છુપાયેલી છે. મોતને મહાત આપી રહેલી એક માસુમ બાળા શિક્ષિકા બની પોતાના અરમાન પુરા કરી રહી છે....

રમવા, કુદવાની ઉંમરમાં બાળકને ચુપચાપ બેસી રહેવાનું થાય તો કેવું આકરૂ પડે. એમાંય જયારે તે મહા બિમારીનો ભોગ બની હોય તો સ્થિતિ અસહ્ય બને છે. અમદાવાદનો એક બારોટ પરિવાર હાલમાં આ યાતના ભોગવી રહ્યો છે. તેમની 8 વર્ષની દિકરી હર્ષલની બંને કીડની નકામી થઇ ગઇ છે. તેની સામે મોત પડછાયો બની મંડાઇ રહ્યો છે. જોકે તેની ધીરજને દાદા આપવી પડે તેમ છે. પોતાની બંને કિડની ફેઇલ થઇ હોવા છતાં તે હિંમત હારી નથી. હિંમતભેર મોતનો સામનો કરી રહી છે.

મોત વચ્ચે પણ તે પોતાના અરમાનો માટે મક્કમ છે. અસામાન્ય બાળકોના અધુરા સપના પુરા કરવાનો પ્રયાસ કરતી સંસ્થા મેક-અ-વિશ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી હર્ષલે આજે પોતાના અરમાન પુરા કરી સાચા શિક્ષક બનવા સમાજને આડકતરો ઇશારો કર્યો હતો.

આ અંગે વિગતો આપતાં મેક-અ-વિશ ફાઉન્ડેશનના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર સુસાન થોમસ જણાવે છે કે, આજના ફેશન યુગમાં મોટા ભાગના બાળકો હાઇ પ્રોફાઇલવાળી કેરિયર બનાવવા ઇચ્છતા હોય છે, જ્યારે મોતના જંગ વચ્ચે પણ હર્ષલે શિક્ષક બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે તે તેના સુંદર વિચારો રજુ કરે છે. અહીંની અમૃતા વિદ્યાલયમ સ્કૂલ ખાતે હર્ષલે શિક્ષિકા બની વર્ગખંડમાં બાળકોને શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. એ દ્રશ્ય જોઇ મન ભરાઇ આવ્યું હતું.

માતા બનશે પુત્રીની જીંદગી....
પોતાની પુત્રીને મોત સામે જોઇ રહેલી હર્ષલની માતા પોતાનું પેટ ચીરીને પુત્રીને જીંદગી આપવા જઇ રહી છે. જોકે હાલમાં હર્ષલના ઘરે તેના નાના ભાઇએ પગલા પાડ્યા હોય કેટલાક મહિના બાદ આ શક્ય બનશે. તેની માતા તેને એક કિડની દાન કરવા જઇ રહી છે.

મેક-એ-વિશ ફાઉન્ડેશનને સલામ....
કુદરતના ખોળેથી ઘણું બધુ મેળવવા છતાં આજના કેટલાક વિદ્યાર્થીઓ-શિક્ષકો પોતાના વર્તનથી સમગ્ર શિક્ષણ જગતને બદનામ કરી રહ્યા છે ત્યારે અસામાન્ય એવી આ બાળાની શિક્ષિકા બનવાની તમન્ના ઘણું બધું કહી જાય છે....ત્યારે નસીબના મારેલા આવા બાળકોની ઇચ્છા, તમન્ના પુરી કરવાનું ભગીરથ કાર્ય કરતા મેક-અ-વિશ ઉન્ડેશન ઓફ ઇન્ડિયાને સલામ.

વેબદુનિયા પર વાંચો