ગુજરાત ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કિશોર વાંકાવાલાનું નિધન

શનિવાર, 29 જૂન 2013 (14:06 IST)
P.R
: ભાજપના સુરત-પશ્ચિમ બેઠક પરથી સારી એવી સરસાઇથી જીતેલા વરિષ્ઠ ધારાસભ્ય કિશોર વાંકાવાલાનું આજે સવારે કેન્સરની બિમારીને કારણે દુઃખદ અવસાન થયું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટરના માધ્યમથી તેમના નિધન પ્રત્યે ભારે દુઃખની લાગણી વ્યક્ત કરીને તેમના પરિવારજનોને દીલસોજી પાઠવી હતી. ભાજપના સ્થાનિક આગેવાનો, ધારાસભ્યો, કાર્યકરો વગેરે તરત જ સ્વર્ગસ્થ વાંકાવાલાના નિવાસસ્થાને દોડી ગયાહતા.

ભાજપના સૂત્રોએ જણાવ્યું કે કિશોર વાંકાવાલા છેલ્લા કેટલાંક સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા. જીવલેણ બિમારી છતાં તેમણે પ્રજાકીય સેવામાં કોઇ ઉણપ બાકી રાખી નહોતી અને પક્ષના સંગઠન માટે પણ તેઓ ભારે સક્રિય રહેતા હતા. આજે સવારે તેમનું નિધન થયું હતું. સ્થાનિક ભાજપના ધારાસભ્યો, કાર્યકરો વગેરે તેમના નિવાસસ્થાને પહોંચી ગયાહતા. દરમિયાનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધનના સમાચાર સાંભળીને દુઃખ વ્યક્ત કર્યું કે ગયા સપ્તાહમાં જ તેઓ કિશોર વાંકાવાલાને મળ્યા હતા. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના પણ મોદીએ વ્યક્ત કરી હતી.

આ સાથે જ 13મી ગુજરાત વિધાનસભામાં ભાજપની સભ્યસંખ્યા 119થી ઘટીને 118 થઇ છે. ડિસેમ્બર-2012ની ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળી હતી. પેટા-ચૂંટણીમાં ચાર બેઠકો જીતતાં સભ્ય સંખ્યા 119 થઈ હતી. પરંતુ સુરત પશ્ચિમના ધારાસભ્યના નિધનને કારણે હવે 118 છે.

વેબદુનિયા પર વાંચો