ગુજરાતનું બજેટ નવા સોપાનો પાર કરશે : મોદી

ભાષા

શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2010 (10:25 IST)
ND
N.D
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરેલા વર્ષ 2010-11 ના અંદાજપત્રને સ્વર્ણિમ જ્યોતિ વર્ષોમાં ગુજરાતની વિકાસયાત્રાને તેજ ગતિ આપનારુ, પ્રગતિના નવા સોપાનો સર કરવા માટે લોકભાગીદારીને જોડનારુ અને વિકાસના લાભો સૌને આપનારું સક્ષણ બજેટ જણાવ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, 1960 માં સ્થાપના પછી ગુજરાતનું પ્રથમ બજેટ સ્વ. મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ 1961-62 માં રજૂ કર્યું હતું. જેની વાર્ષિક યોજનાની જોગવાઈ રૂપિયા 33.19 કરોડની હતી. આજે ગુજરાતની વિકાસયાત્રાના 50 વર્ષે ગુજરાતનું વાર્ષિક યોજના કદ રૂપિયા 29,500 કરોડ ઉપર પહોંચ્યું છે.

1960 થી 2001 સુધી ગુજરાતના પ્રથમ ચાર દાયકામાં થઈને પંચવર્ષીય યોજનાનું કુલ આયોજન રૂપિયા 43756 કરોડ હતું જ્યારે 21 મી સદીના આ પ્રથમ દાયકામાં (વર્ષ 2001 થી 2010) ગુજરાતના આયોજિત વિકાસે હરણફાળ ભરીને રૂપિયા 1,18, 761 કરોડનું આયોજન પરિપૂર્ણ કર્યું જે અગાઉના 40 વર્ષના નાણાકીય આયોજન કરતા ત્રણ ગણું યોજનાનું કદ પુરવાર કરે છે.

આમ ગુજરાતી છેલ્લા એક દશકાની પ્રગતિની જે તેજ રફતાર અવિરત ચાલી રહી છે તેમાં રાજ્ય સરકારના સૂચારુ અર્થવ્યવસ્થાપન અને આર્થિક શિસ્તનો મહત્વનો ફાળો છે.

વેબદુનિયા પર વાંચો