ચીન અને ભારત વચ્ચે ત્રણ સમજૂતી કરાર થવાની સંભાવના

મંગળવાર, 16 સપ્ટેમ્બર 2014 (13:44 IST)
ચીનના રાષ્ટ્રપ્રમુખ ઝી જિનપિંગ બુધવારે અમદાવાદના મહેમાન બની રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગની ઉપસ્થિતિમાં બન્ને દેશોનાં પ્રતિનિધિમંડળો ત્રણ સમજૂતી કરાર કરશે. ગુજરાત સરકારના પ્રવક્તા નીતિન પટેલ અને સૌરભ પટેલે પત્રકારોને કહ્યું હતું કે ‘ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ ચીનના ઔદ્યોગિક પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતના પ્રવાસે બુધવારે બપોરે અઢી વાગ્યે અમદાવાદ આવી રહ્યા છે. ઍરપોર્ટ પર ગવર્નર ઓ. પી. કોહલી, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યો તેમનું સ્વાગત કરશે અને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવશે. ત્યાંથી તેઓ વસ્ત્રાપુરમાં આવેલી હોટેલ હયાતમાં જશે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને આવકારશે. આ સમયે નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે ૧૫થી ૨૦ મિનિટની મુલાકાત યોજાશે અને ત્યાર બાદ નરેન્દ્ર મોદી અને જિનપિંગની ઉપસ્થિતિમાં બન્ને દેશોનાં પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાશે અને ત્રણ સમજૂતીકરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.’

જે ત્રણ સમજૂતી કરારો કરવામાં આવશે એમાં સિસ્ટર પ્રોવિન્સ સ્ટેટ રિલેશન અંતર્ગત ગ્વાંગદૉન્ગ પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના અને ગુજરાત રાજ્ય વચ્ચે તેમ જ સિસ્ટર સિટી રિલેશન અંતર્ગત ગ્વાંગઝોઉ પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના અને અમદાવાદ સુધરાઈ વચ્ચે અને ચાઇના ડેવલપમેન્ટ બૅન્ક કૉર્પોરેશન અને ઇન્ડેક્સ્ટ-બી વચ્ચે ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે સમજૂતીકરાર કરવામાં આવશે.

અમદાવાદની ટૂંકી મુલાકાત લેનાર ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. જિનપિંગ અને તેમનું પ્રતિનિધિમંડળ ગાંધી આશ્રમ ખાતે હૃદયકુંજની મુલાકાત લઈને ગાંધીજીના જીવનદર્શન વિશે માહિતી મેળવશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

સાબરમતી આશ્રમની મુલાકાત બાદ તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પાર્કની મુલાકાત લેશે અને નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરીને ડિનર લઈને સાંજે સાડાસાત વાગ્યે દિલ્હી જવા રવાના થશે. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હી જશે.

વેબદુનિયા પર વાંચો