લાલ કિલ્લા પરથી PM મોદીની પાક.ને ચેતવણી - હિંસા અને આતંકવાદ સામે નહી ઝુકે સરકાર

મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (13:46 IST)
દેશના 70માં સ્વાધીનતા દિવસના અવસર પર સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના ઐતિહાસિક કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો અને પરેડની સલામી લીધી. આ અવસર પર પ્રધાનમંતીએ પડોશી દેશ પાકિસ્તાનને ખૂબ જ સખત શબ્દોમાં સંદેશ આપતાબલૂચિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર પ્રત્યે સહાનૂભૂતિ બતાવતા કહ્યુ કે તેમની સરકાર હિંસા અને આતંકવાદ સામે નમતુ નહી લે.  તેમણે માઓવાદીઓને હિંસાનો રસ્તો છોડવાનુ આહ્વવાન કર્યુ અને મોંઘવારી તેમજ ભ્રષ્ટાચારીથી આઝાદી અપાવવાની વકાલત કરતા સમગ્ર જૂની યોજનાઓની સમીક્ષા રિપોર્ટ આપી. 
 
   મોદીએ અલબત્ત, કાશ્મીર ખીણનો કોઈ જ ઉલ્લેખ કર્યો નહોતો, જયાં હિઝબુલ કમાન્ડર બુરહાન વાની માર્યો ગયો હતો એ બાદ હિંસા ભડકી ઊઠી હતી. ત્રાસવાદીઓને ગૌરવાન્વિત કરવાનો પાકિસ્તાન પર આક્ષેપ કરીને ભારતમાં જે આતંકી માર્યા જાય છે, એમને શહીદ ગણીને ઉજવણી કરવાનો પણ તેમણે એ દેશ પર આક્ષેપ કર્યો હતો.
 
   દેશના પાટનગરમાં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતાં પોતાના 93 મિનિટના ભાષણમાં મોદીએ જણાવ્યું હતું કે 'બલૂચિસ્તાન, ગિલગિટ અને પાકિસ્તાનના કબજા હેઠળના લોકો પ્રતિ હું આભારની લાગણી દર્શાવું છું, જેમણે મારા પ્રતિ અહોભાવ વ્યકત કરીને જે રીતે હૃદયથી મારો આભાર માન્યો છે. તાજેતરમાં તેમણે મારા માટે જે શુભેચ્છા વ્યકત કરી છે એ બદલ મારે તેમનો આભાર માનવો રહ્યો.'
 
   સ્વાતંત્ર્ય દિન પ્રસંગે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગા ભાષણમાં ભારતના વડા પ્રધાનને પાકિસ્તાનના અંકુશ હેઠળના વિસ્તારના લોકોની આપવીતિઓ ઉજાગર કરીને ત્રાસવાદને સતત પ્રોત્સાહન આપવામાં રાચતા દેશને (પાકિસ્તાનનું નામ લીધા વિના) ચાબખા માર્યા હોય એવો આ પહેલો પ્રસંગ છે. તાજેતરમાં કાશ્મીર અંગે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને બલૂચિસ્તાન અને જમ્મુ તથા કાશ્મીરના ગેરકાયદે પચાવી પાડવામાં આવેલા વિસ્તારમાં (પીઓકે) પડોશી દેશ દ્વારા આચરવામાં આવતા અત્યાચારો ખુલ્લા પાડવાનો સમય પાકી ગયો હોવાનું જણાવ્યું એની પૃષ્ટભૂમાં મોદીએ લાલ કિલ્લા પરથી સોમવારે આમ જણાવ્યું હતું.
 
   વડા પ્રધાને ભારત અને પાકિસ્તાન દ્વારા પરસ્પરના દેશમાં થતા ત્રાસવાદી હુમલાઓ અંગે બંને દેશની વર્તણૂક નિહાળી ન્યાય તોળવા આંતરરાષ્ટ્રીય સમુદાયને આ સાથે જણાવ્યું હતું.   પેશાવરની સ્કૂલમાં બે વર્ષ પહેલાં ત્રાસવાદી હુમલામાં બાળકો માર્યા ગયા ત્યારે આપણી સંસદમાં સભ્યોએ આંસુ વહાવ્યા હતાં, જયારે ભારતીય બાળકો પણ અત્યંત દુઃખી થઈ ગયાં હતાં. આપણી માનવતાનું આ એક ઉદાહરણ છે, પરંતુ સરહદની સામેની બાજુ જોઈએ તો ત્યાં ત્રાસવાદનું ગૌરવ કરવામાં આવતું હોવાનું જોઈ શકાય છે.
 
   ત્રાસવાદના રવાડે ચડેલા યુવાનોને વડા પ્રધાને જણાવ્યું હતું કે હિંસાનો માર્ગ છોડી પાછા ફરો. તમારા માતાપિતાની આકાંક્ષાઓ સમજો અને દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ જાવ, કારણ કે હિંસાના માર્ગથી કોઈને પણ લાભ થયો નથી.
 
   રાજસ્થાની સાફો પહેરીને પોતાના ટ્રેડ માર્ક જેવા અડધી બાંયના કુરતામાં સજ્જ દેશના 70મા સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાને પોતાની સરકારનો રિપોર્ટ કાર્ડ પણ દેશ સમક્ષ ખુલ્લો મૂકીને દેશમાં થયેલા આર્થિક વિકાસ અને ગરીબો તથા ખેડૂતોની કલ્યાણ યોજનાઓ દ્વારા દેશવાસીઓને થયેલા લાભોનો ચિતાર આપ્યો હતો.
 
   વડા પ્રધાને તેમના સંબોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્શનમાં 20 ટકાનો વધારો કરવાની તથા બીપીએલ પરિવારોનો તબીબી ખર્ચ રૂ.. એક લાખ સુધીનો સરકાર દ્વારા ભોગવવામાં આવશે એવી પણ જાહેરાત કરી હતી.
 
   તાજેતરમાં દલિતો પર થયેલા અત્યાચારો અંગે પણ વડા પ્રધાને પોતાના વિચારો વ્યકત કરતાં જણાવ્યું હતું કે મજબૂત સમાજ વિના કોઈ પણ દેશ મજબૂત નહીં બની શકે. સદીઓ જૂના આ સામાજિક દૂષણને દૂર કરવા માટે આકરો અને સંવેદનશીલ અભિગમ અપનાવવાની પણ તેમણે હિમાયત કરી હતી

વેબદુનિયા પર વાંચો