દેશની પહેલી અંડર વૉટર રેસ્ટોરન્ટ ચાલુ થવાના 24 કલાકમાં જ સીલ

ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (17:47 IST)
શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં બનેલી દેશની સૌથી પહેલી અંડર વૉટર રેસ્ટોરન્ટ રીયલ પોસાઈડનને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને સીલ કરી દીધી છે. હજુ રેસ્ટોરેન્ટ ચાલુ થયાને હજુ 24 કલાક જ થયા હતા, ત્યાં કૉર્પોરેશને રેસ્ટોરન્ટ સીલ કરી દેતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.  પોસાઈડન રેસ્ટોરન્ટનું પાણી લિકેજ થવાના કારણે કૉર્પોરેશને સીલ મારી દીધું છે. કૉર્પોરેશને હોટલના માલિકોને પરમિશનને લગતા તમામ દસ્તાવેજો રજૂ કરવા આદેશ કર્યો છે. આ રેસ્ટોરન્ટે અમદાવાદના લોકોમાં ભારે ક્રેઝ ઊભો કર્યો હતો. અમદાવાદમાં પાણીમાં તરતી હોટલ એસપી રિંગ રોડ પર આવેલા સાઉથ બોપલમાં પહેલી ફેબ્રુઆરીએ પ્રારંભ થયો હતો.

ગુજરાતમાં પ્રથમ વખત બનેલી રિયલ પોસાઈડન અંડરવોટર રેસ્ટોરન્ટ ભારતની  પણ પ્રથમ  અન્ડરવોટર રેસ્ટોરન્ટ છે.  આ રેસ્ટોરન્ટમાં જમીનથી  20 ફૂટ નીચે, 1 લાખ 60 હજાર લીટર પાણીની અંદર 32 સીટ બનાવવામાં આવી છે.  કાચની આ રેસ્ટોરંટની ફરતે 4000થી વધુ વિવિધ પ્રજાતીઓની માછલીઓ મૂકવામાં આવી છે.

કસ્ટમરને કોઈ પ્રોબ્લેમ ના થાય એ માટે હાલ ઓનલાઇન બુકિંગનો કોન્સેપ્ટ ચાલુ કર્યો હતો. જેના કારણે કસ્ટમરને વેઇટિંગમાં ન બેસવું પડે અને ટાઇમ મુજબ તેઓને આ રેસ્ટોરન્ટમાં આવવાનો અવસર મળે. આ ઉપરાંત લાઇવ ઓરકેસ્ટ્રાથી મનોરંજન પણ પૂરું પાડવાનું આયોજન કરાયું હતું. આ રેસ્ટોરંટમાં લોકોને પંજાબી, થાઇ, મેક્સિકન, ચાઇનિઝ વાનગીઓ મળતી હતી પણ દરરોજ મેનુમાં ચેન્જ કરાતું હતું.

વેબદુનિયા પર વાંચો