હાર્દીક રાજસ્થાન રહે તેવી શકયતા

મંગળવાર, 12 જુલાઈ 2016 (11:42 IST)
હાર્દિક પટેલને રાજદ્રોહ બાદ વિસનગર કેસમાં પણ જામીન મળી જતા હવે તેની  જેલમુક્તિનો માર્ગ મોકળો બન્યો છે. આવતીકાલે અથવા બુધવારે તેને સુરતની લાજપોર જેલમાંથી મુક્ત કરવામાં આવશે અને જામીનની શરત મુજબ તેને જેલમુક્ત થયાના ૪૮ કલાકની અંદર ગુજરાત છોડી દેવુ પડશે. ત્યારે હાર્દિક પટેલ ૬ મહિના સુધી ક્યાં રોકાશે તેને લઈ અટકળો તેજ બની છે. 

એવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, હાર્દિક પટેલ આ છ મહિના પૈકી કેટલોક સમય દિલ્હીમાં વિતાવશે, જ્યારે બાકીનો સમય તે રાજસ્થાનમાં રહી શકે છે. હાર્દિક પટેલના પરિવારજનોએ હાર્દિકના રહેવા અંગેનો સમગ્ર મામલો પાટીદાર અનામત આંદોલન સમિતિ પર છોડ્યો છે.

ત્યારે પાસના દાવા મુજબ હાર્દિક પટેલને રાખવા માટે રાજસ્થાનના ગુર્જર નેતાઓ અને હરિયાણાના જાટ નેતાઓએ તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત મુંબઈમાં રહેતા હાર્દિકના એક સંબંધીએ પણ હાર્દિકને ત્યાં આવવા માટે આમંત્રણ મોકલ્યુ છે. જોકે આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

પહેલા તો જેલમાંથી છુટ્યા બાદ હાર્દિક પટેલ પોતાના ઘર વિરમગામ જશે અને ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ હાર્દિકને ક્યાં મોકલવો તે  અંગેનો નિર્ણય લેવાશે. આ અંગે પાસના કન્વીનર બ્રિજેશ પટેલે જણાવ્યુ હતું કે, સુરતની લાજપોર જેલની બહાર હાર્દિક પટેલના સ્વાગત માટે ૨ લાખ કાર્યકર્તાઓ સુરત પહોંચશે.

ત્યારબાદ ત્યાં હાર્દિક જાહેરસભાને સંબોધન કરે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પાસના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાર્દિક ખુલ્લી જીપમાં સવાર થઈને વિરમગામ સુધી પહોંચે તેવુ પણ આયોજન કરાયુ છે. આ દરમિયાન માર્ગમાં ઠેર-ઠેર હાર્દિકનો સમ્માન સમારોહ અને ભાષણની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.

વેબદુનિયા પર વાંચો