સુરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર - મોદીનો નવો મંત્ર

શુક્રવાર, 28 જૂન 2013 (10:36 IST)
P.R

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આઝાદી માટે "સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે" એવો મંત્ર આપનાર લોકમાન્ય તિલકને યાદ કરીને આજે મુંબઇ ખાતે પુસ્તક વિમોચન બાદ સ્વરાજથી સુરાજ્ય અંગેના વકતવ્યમાં નવો મંત્ર આપ્યો હતો કે "સુરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે". તેમણે નાના ઉદાહરણો આપીને એવું ચિત્ર ઉપસાવાનો પ્રયાસ કર્યો હતો કે લોકોને લોકશાહીમાં સરકાર પરથી અને સરકારમાં બેઠેલાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એક અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.

મુખ્યમંત્રી મોદી આજે આખો દિવસ મુંબઇમાં હતા. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને સાંજે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તેમણે સ્વરાજ્યથી સુરાજ્ય તરફ વિષય પર લંબાણપૂર્વકનું વકતવ્ય આપ્યું હતું. તેમણે લોકતંત્રની વ્યાખ્યા આપીને ક હ્યું હતું કે લોકતંત્રમાં વહીવટમાં બેઠેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પ્રજાના માલિક નહી પરંતુ પ્રજાના સેવક છે. એવી લાગણી જ્યાં સુધી પ્રજાના મનમાં નહી આવે ત્યાં સુધી સુરાજ્ય આવશે નહી.

તેમણે દાખલાઓ આપતા કહ્યું કે લોકશાહી સરકારને પોતાની ખોટુ કર્યાની ભૂલ સુધારવાની તક આપે છે. અને ગુજરાતના અનુભવ પરથી હું કહી શકું છું કે લોકતંત્રને મજબુત કરવા માટે લોકભાગીદારી અનિવાર્ય છે. તેમણે સામાન્ય લોકોનો વર્તમાન કેન્દ્ર સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે એમ કહીને દાખલા આપ્યા કે આજે આમ આદમી કે વ્યાપારી પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવાને બદલે કુરિયર એજન્સી પર વધારે વિશ્વાસ રાખે છે. સરકારી બસ ઉપર વિશ્વાસ નથી પરંતુ પોતાના જૂના-પુરાણા વાહન પર વિશ્વાસ છે. લોકોનો બેંકો પરથી વિશ્વાસ ઉઠી જતાં ચિટ્ટફંડ નામની એજન્સીઓ ફુલીફાલી હતી અને જેમાં લોકોને પોતાના નાણાં ગુમાવવા પડ્યા છે. તેમણે સરકારી તંત્રની બેદરકારીની ભારે ખીલ્લી પણ ઉડાવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ યુપીએ પર નિશાન સાધતા કહ્યુ કે જો મારા પર ન વીતતી તો મને ખબર જ ન પડતી એક સરકાર સીબીઆઈનો આટલો દુરુપયોગ કરે છે. કોંગ્રેસ સરકારની બિનસક્રિયાતને કારણે આજે દેશની બે સૌથી મોટી સંસ્થાઓ આઇબી અને સીબીઆઇ એકબીજાની સામ-સામે આવી ગઇ છે જે દેશની સુરક્ષા માટે યોગ્ય નથી.

વેબદુનિયા પર વાંચો