સુરતના દરિયાના પેટાળમાં મળ્યા પ્રાચીન શહેરના અવશેષો

સોમવાર, 21 જુલાઈ 2014 (13:02 IST)
સુરત શહેરના દરિયાકિનારેથી ૩૦ કિ.મી દૂર ૧૩૦ ફૂટ ઊંડાઇએ પાંચ માઇલ લાંબુ અને બે માઇલ પહોળું શહેર એક સમયે માનવ વસાહતથી ધબકતું હોવાના પ્રતીતિકરણ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા હાથ લાગ્યા છે, દુનિયાભરના પુરાતત્ત્વવિદ્દો, ઇતિહાસકારો અને યુનિવર્સિટી માટે રસનો વિષય બની રહે એમ હોવાનું શહેરના ઇતિહાસકાર ડો.મિતુલ ત્રિવેદીએ પત્રકારોને જણાવ્યું હતું. સુરતના દરિયાના પેટાળમાં મળેલા પ્રાચીન શહેરના અવશેષો દસ હજાર વર્ષ પ્રાચીન હોવાનુ અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે.

આ સાથે સુરત શહેરની જાહોજલાલી અને વૈભવી માત્ર રાજાશાહીના વખત કે બે - પાંચ સદી પહેલાં જ નહીં પણ હજારો વર્ષ પૂર્વે પણ અકબંધ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઇતિહાસના પાનામાં નવા અધ્યાયનો ઉમેરો કરે તેવી બાબત સંશોધન દરમિયાન પ્રકાશમાં આવી છે.

સુરતના સમુદ્ર કિનારાથી ૩૦ કિ.મી દૂર આજથી દસ હજાર વર્ષ પહેલા એક પ્રાચીન વસાહત હતી અને તેના અવશેષો રિસર્ચ દરમિયાન મળ્યા હોવાની માહિતી શહેરના ઇતિહાસકાર ડો.મિતુલ ત્રિવેદીએ સ્થાનિક પત્રકારોને આપી હતી. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૦થી ૨૦૧૧ સુધી મળેલા નમૂનાઓ પર બે વર્ષથી રિસર્ચ ચાલી રહ્યું છે. ડો.એસ. કથરોલીની આગેવાની હેઠળ થયેલી આ શોધને હાવર્ડ યુનિવર્સિટીના અમેરિકી પુરાતત્ત્વ વિદ્દ રીચાર્ડ મેડોઝ જોકેડે મહત્ત્વની અને ક્રાંતિકારી શોધ જાહેર કરાઇ, જેને ઇન્ટરનેશલ સ્તરે વધુ સંશોધનના પ્રયાસ માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે.

નર્મદા નદીના મુખ પ્રદેશની ૪૦ કિ.મી દૂર અને તાપીના મુખપ્રદેશ નજીકના દરિયામાં ઉત્તર-પશ્ર્ચિમે ૧૩૦ ફૂટ ઊંડે પાંચ માઇલ લાંબુ અને લગભગ બે માઇલ પહોળું શહેર એક સમયે માનવ વસાહતથી ધબકતું હોવાના પ્રતીતિકરણ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા મળ્યા છે, જે દુનિયાભરના પુરાતત્વવિદ્દો, ઇતિહાસકારો અને યુનિવર્સિટી માટે રસનો વિષય છે.

આશરે દસ હજાર વર્ષ પૂર્વે છેલ્લા હિમયુગની સમાપ્તિ થઇ, કેટલાંક સાંયોગિક પુરાવા એવા મળ્યા કે સુરતથી ૩૦ માઇલ દૂર ખંભાતના અખાતમાં એક મોટું નગર હતું અને તે સમુદ્રમાં ગરક થઇ ગયું. જેનો સમયગાળો આશરે સાડા નવ હજાર વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે. ઇતિહાસકારોએ રસપ્રદ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, બહુ હેતુક સર્વે માટેની સમુદ્ર ટેકનોલોજીની ટીમને ખંભાતના અખાતમાં પ્રદૂષણનું પ્રમાણ ધ્યાન રાખવા વપરાતા સાધનો દ્વારા કેટલીક અસામાન્ય છબીઓ મળી, જેનો લગભગ સતત છ મહિના સુધી અભ્યાસ કરાયો જે ખંભાતના અખાતમાં પણ ગરક થયેલા એક પ્રાચીન નગર તરફ ઇશારો કરે છે.

ગુજરાતના દરિયા વિસ્તારમાં સંશોધન કાર્ય દરમિયાન સમુદ્રમાંથી એક હજારથી વધુ નમૂનાઓ મળ્યા.જે પૈકીના ૨૫૦ જેટલા નમૂના પુરાતત્વીય સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા હતા.

એક્સપર્ટ ટીમે અવશેષોનું સમય નિર્ધારણ કરવા કાર્બન-૧૪, થતોલ્યુમિનિસીન, એક્સેલરેટેડ માસ પેટ્રોમેટી જેવી અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ ર્ક્યો હતો અને તે લગભગ સાત હજારથી સાડા નવ હજાર વર્ષ જૂના અને દરિયાઇ મૂળના નહીં પરંતુ ધરતી પરના હોવાના નિર્દેશ મળ્યા છે. હજીરાથી ૪૦ કિ.મી દૂર દરિયા પેટાળમાંથી એક લાકડાનો ટુકડો મળ્યો જે ૯૫૦૦ વર્ષ જૂનો હોવાનું પરીક્ષણમાં સમર્થન મળ્યું છે. એ જ સ્થળેથી ચાલીસ બાય ચાલીસ મીટરના તળાવો પણ મળ્યાં છે. હરપ્પન સંસ્કૃતિના બાંધકામ જેવા જ માળખા પણ મળ્યાં છે. ભૌમિતિક રચના ધરાવતા મળી આવેલા માળખાઓથી સ્પષ્ટ થાય છે કે ૯૫૦૦ વર્ષ પૂર્વે પણ સુસભ્ય સુસંસ્કૃત માનવ વસાહત હયાત હતી.

વેબદુનિયા પર વાંચો