લોકો તો નેગેટીવ બોલવાનાં જ, જો ધ્યાન આપશો તો જીવનમા નેગેટીવ જ થશે

સોમવાર, 25 ઑગસ્ટ 2014 (15:26 IST)
લોકો તો નેગેટીવ બોલતા જ રહેવાના છે. તેના પર જો ધ્યાન આપશો તો જીવનમા નેગેટીવ જ થશે. લોકો દ્વારા કરાતી ટીકાને જો ચેલેન્જ તરીકે સ્વિકારવામા આવે તો સફળતાઓને હાથ લાગતા વાર નથી લાગતી. વિશ્વમાં મોટીવેશન માટે હજારો પુસ્તકો ઉપલબ્ધ છે અને મોટીવેશનલ ગુરૃઓ લેક્ચર આપતા રહે છે પણ સૌથી મોટુ કોઇ મોટીવેટર હોય તો તે વ્યક્તિ સ્વયં છે. એક વાર જો તમારો આત્મવિશ્વાસ જાગી ગયો પછી તમારી મંઝીલ સુધી પહોંચતા બીજા તો ઠીક તમે પોતે પણ તમારી જાતને રોકી નહી શકો. તેમ આજે વિદ્યાર્થીઓને  પ્રોત્સાહીત કરવા માટે શહેરમા યોજાયેલા એક કાર્યક્રમમાં  એક પગે અપંગ હોવા છતા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય યુવતિ અરૃણીમા સિંહે કહ્યુ હતું.

પોતાની જીંદગીમા બનેલી દુર્ઘટનાએ કઇ રીતે સફળતાના રસ્તા ખોલી આપ્યા તે અંગે વાત કરતા અરૃણીમાએ કહ્યુ હતુ કે  પોતે વોલીબોલ પ્લેયર હતી અને ૨૦૧૧માં સીઆઇએસએફમા હેન્ડ કોન્સ્ટેબલની ભરતી થવાની હતી તે માટેની એક્ઝામ આપવા માટે તે દિલ્હી જઇ રહી હતી ત્યારે ચાલતી ટ્રેનમાથી લુટારૃઓએ મને બહાર ફેંકી દીધી હતી. હું દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમા ભરતી હતી અને ભાનમા આવી તો મારી સામે થયેલા આક્ષેપો જોઇને વધુ આઘાત લાગ્યો મિડીયામા એવી વાતો આવી રહી હતી કે હું ટીકીટ વગર મુસાફરી કરતી હતી એટલે ટીસીને જોઇને ભાગી એટલે ટ્રેનમાથી પડી ગઇ, હું આપઘાત કરવા આવી હતી, હું ટ્રેનના દરવાજા પાસે જ બેઠી હતી એટલે પડી ગઇ.. વગેરે.

પણ આ ટીકાઓથી વિચલીત થવાના બદલે મે નિર્ધાર કર્યો કે આજે તમારો દિવસ છે કરી લો જે કરવુ હોય તે એક દિવસ મારો પણ આવશે અને ત્યારે મારી સફળતાઓ જ મારા જવાબો હશે. હું હોસ્પિટલમાથી બહાર નિકળી તે પહેલા માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો નિર્ણય કરી ચુકી હતી.લોકો મને પાગલ સમજવા લાગ્યા હતા. એવુ પણ કહેતા હતા કે લંગડી તો થઇ છે માનસીક લંગડી પણ થઇ ગઇ છે. પણ મે તે લોકોની વાત સાંભળી ના હતી અને મારા ધ્યેયને વળગી રહી હતી. 

ઉલ્લેખનિય છે કે અરૃણીમા વિશ્વની સાત ઉંચી ટોચ પૈકી માઉન્ટ એવરેસ્ટ સહિતની ત્રણ ટોચ સર કરી ચુકી છે અને બાકીની ૪ પણ તે સર કરવાની તૈયારી કરી ચુકી છે. 

 આજે સ્વામી વિવેકાનંદ મેમોરીયલ અને રામકૃષ્ણ મિશન દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ જેમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા.રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડે પણ હાજર રહીને પ્રોત્સાહન પુરૃ પાડયુ હતું.

વેબદુનિયા પર વાંચો