મોદી માટે લોકસભા 2014 એટલે.. યે આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ

સોમવાર, 10 જૂન 2013 (16:58 IST)
P.R
કેન્‍દ્રમાં ફરી સત્તા હાંસલ કરવા માટે પૂરજોશમાં મથી રહેલ ભાજપમાં આજે ભૂકંપ સર્જાયો છે. ભાજપના વરીષ્‍ઠ નેતા લાલકૃષ્‍ણ અડવાણીએ આજે તમામ પદો પરથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના મુખ્‍યપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ભલે ભાજપના વરિષ્‍ઠ નેતા લાલકૃષ્‍ણ અડવાણીની ભાવનાઓથી ઉપર જઈ કેન્‍દ્રીય ચૂંટણી પ્રચાર સમિતિનું સુકાન મેળવી લીધુ હોય પરંતુ તેમના માટે હજુ પડકારો હજુ સમાપ્‍ત થયા નથી. આવતા એક વર્ષમાં તેમણે પક્ષની અંદર ઉપરાંત રાષ્‍ટ્રીય સ્‍તરે અનેક મોટા પડકારોનો સામનો કરવો પડશે. આ પડકારો એવા હશે જે મોદી માટે આરપારની લડાઈ સાબિત થઈ શકે છે.

* પક્ષમાં સમર્થન મેળવવુઃ મોદીની નિયુક્‍તિ પહેલા જ જે રીતે અડવાણી જુથની નારાજગી જોવા મળી તે જોતા મોદીએ હવે આ નારાજ જુથને મનાવવુ પડશે એવુ બની શકે તે આ જૂથ આગળ જતા મોદી માટે પક્ષની અંદર જ કોઈ મુશ્‍કેલી ઉભી કરે.

* પક્ષને ઉભો કરવોઃ મોદી હાલ ભલે ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બન્‍યા પરંતુ અસલી સંકેત એ છે કે, તેઓ આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના દાવેદાર હોય શકે છે. ગુજરાતમાં તેમણે પોતાનું સંગઠન મજબૂત કર્યુ છે પરંતુ રાષ્‍ટ્રીય સ્‍તરે આવુ કરવુ સરળ નહીં હોય, ગુજરાતની વાત અલગ છે તેમણે દેશમાં પક્ષને પોતાની રીતે ઉભો કરવો પડશે. તમામ રાજ્‍યોના નેતાઓને સાથે લઈ ચાલવુ પડશે.

* ગેરશિસ્‍તનો સામનોઃ હાલ ભાજપના કાર્યકરોમાં ભલે જોરદાર ઉત્‍સાહ હોય પરંતુ સૌ જાણે છે કે પક્ષમાં જુથબંધી છે. જુથવાદ અને ગેરશિસ્‍તને કારણે ભાજપે હિમાચલ, ઉતરાખંડ, કર્ણાટક જેવા રાજ્‍યો ગુમાવ્‍યા, આ સિવાય અન્‍ય રાજ્‍યોમાં પણ નવા રસ્‍તા શોધવા સાથે નવી રણનીતિ બનાવવી પડશે.

* ચાર રાજ્‍યોમાં ચૂંટણીઃ મોદીની સૌથી મોટી પરીક્ષા તો આ વર્ષના અંતમાં યોજાનારી ચાર રાજ્‍યોની વિધાનસભા ચૂંટણી છે. તેમા છત્તીસગઢ અને મધ્‍યપ્રદેશમાં ભાજપની સરકાર છે. રાજસ્‍થાન અને દિલ્‍હીમાં ક્રમશઃ પાંચ અને ૧૪ વર્ષથી વનવાસ વેઠી રહી છે. આ ચાર રાજ્‍યો ભાજપ જીતે તો જ મોદી અંગે દેશમાં મજબૂત સંદેશો જશે જે ભાજપ બે કે તેથી ઓછા રાજ્‍યમાં ચૂંટણી જીતશે તો એવો સંદેશો જશે કે મોદીનો જાદુ ચાલ્‍યો નહીં.

* રમખાણોનું કલંકઃ મોદી માટે ગુજરાતના રમખાણો મુખ્‍ય મુશ્‍કેલી છે. મોદી વિરૂદ્ધ કોઈ કેસ નથી પરંતુ અદાલતોમાં રમખાણો અંગેના ઘણા કેસ ચાલી રહ્યા છે. આ કેસોમાં જો ગુજરાત સરકાર અંગે કોર્ટ દ્વારા જો વિપરીત ટિપ્‍પણી આવી તો મોદીની મુશ્‍કેલી વધશે. વિરોધીઓ તેમને નિશાન બનાવશે.


ટૂંકમાં કહી શકાય કે... એ આગકા દરિયા હૈ જાની.. ઔર ડૂબ કે જાના હૈ.

વેબદુનિયા પર વાંચો